ગુરુવારે બપોર સુધીમાં 15 ફોર્મ પરત ખેંચાતા ચિત્ર સ્પષ્ટ થયું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મોરબી જીલ્લાની ત્રણ બેઠકો મળી કુલ 8.17 લાખ મતદારો મત આપવાના છે ત્યારે આ મતદારો આગામી 5 વર્ષ માટે પોતાના ધારાસભ્ય પદના ઉમેદવારને ચૂંટી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઘડવામાં આવેલા કાર્યક્રમ મુજબ કુલ 15 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરવા મુદત આપવામાં આવી હતી. આ મુદત દરમિયાન કુલ 80 ફોર્મ ભરવામાં આવ્યા હતા જે પૈકી ચકાસણી દરમિયાન ડમી ઉમેદવાર તેમજ ભૂલ ભરેલા ફોર્મ મળી કુલ 30 ફોર્મ રદ થતા અંતે 50 ફોર્મ બાકી રહ્યા હતા. ગુરવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ત્રણેય બેઠક પર કુલ 15 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા જેમાં બેઠક મુજબ જોઈએ તો મોરબી માળિયા બેઠકમાં 9 ફોર્મ પરત ખેંચાયા હતા તો વાંકાનેર બેઠકમાંથી 4 અને ટંકારામાંથી 2 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા.
- Advertisement -
મોરબી જીલ્લાની ત્રણેય બેઠક માટે હવે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મોરબી-માળીયા બેઠક માટે હવે 17 દાવેદારો મેદાનમાં રહ્યા છે જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ બસપા અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સીધો જંગ છેડાશે. આ જ રીતે વાંકાનેર બેઠકની વાત કરીએ તો, અહીં 8 અપક્ષ ઉમેદવાર, ભાજપ, કોંગ્રેસ, બસપા, આપ સહીત કુલ 13 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે જ્યારે ટંકારા બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, બસપા તેમજ આપ અને એક સ્થાનિક પક્ષ મળી કુલ 5 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.