મંત્રીઓના કામગીરી અહેવાલ બાદ મોટા ફેરફારની શક્યતા, નવા ચહેરાઓને મળશે તક
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
કેન્દ્ર સરકારની રચના પછી એક વર્ષની સ્થિરતા બાદ, હવે ભાજપના ટોચના નેતળત્વ દ્વારા પડતર નિર્ણયો ઝડપથી લેવામાં આવી રહ્યા છે. રાજ્યસભાના ચાર સભ્યોની નિમણૂક, હરિયાણા અને ગોવામાં નવા રાજ્યપાલોની નિમણૂક અને લદ્દાખમાં લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક પછી, મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલની શકયતાઓ હવે મજબૂત થઈ ગઈ છે. પ્રશ્ર્ન એ છે કે આ મંત્રીમંડળનું વિસ્તરણ 21 જુલાઈએ શરૂ થતા ચોમાસુ સત્ર પહેલા થશે કે સત્ર પૂરું થયા પછી. દરમિયાન, મંગળવારે ગળહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જોકે, એવું કહેવામાં આવ્યું હતું કે તેમાં સંસદ સત્ર માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો કહે છે કે એક કરતાં વધુ મંત્રાલયો સંભાળતા કેટલાક મંત્રીઓનો ભાર ઘટાડવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ફેરબદલનો મુખ્ય આધાર કામગીરી, બિહાર, બંગાળ અને યુપી જેવા ચૂંટણીલક્ષી રાજ્યોમાં વધુ પ્રતિનિધિત્વ અને નવા ચહેરાઓ દ્વારા મંત્રી પરિષદને વધુ ‘યુવાન’ બનાવવાનો છે. એક વર્ષ પહેલા 9 જૂનના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 72 સભ્યોની મંત્રી પરિષદ સાથે શપથ લીધા હતા. નિર્ધારિત મર્યાદામાં 9 મંત્રીઓની નિમણૂક કરવાનો અવકાશ હજુ પણ છે.



