ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
ઝાલાવાડમાં આ વર્ષે દશેરા પર્વની ભવ્ય ઉજવણી થઈ. નવરાત્રી પર્વ તેના અંતિમ ચરણમાં પહોંચ્યા બાદ, ઝાલાવાડીઓએ મન ભરીને માતાજીની આરાધનામાં ગરબે રમ્યા હતા. ત્યારબાદ દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે પરંપરાગત રીતે લોકોએ જલેબી, ફાફડા અને ચોળાફળી ખાઈને પર્વની ઉજવણી કરી હતી. ઝાલાવાડના લોકો ઉત્સવ પ્રેમી હોવાથી, ભોજન અને ઉત્સવનો સમન્વય જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં દશેરા પર્વ નિમિત્તે જલેબી, ફાફડા, ચોળાફળી ખાવાની પરંપરા રહી છે. દર વર્ષે આ ફરસાણની માંગ રહેતા એકથી દોઢ કરોડ રૂપિયાની ખરીદી થતી હતી. આ વર્ષે ફરસાણના ભાવમાં વધારો થયો હતો, પરંતુ વેપારીઓને ₹2 કરોડથી વધુ સુધીનો વેપાર થવાની આશા હતી અને તે મુજબ જ વેપાર થયો. સુરેન્દ્રનગરના ફાફડા તો વિખ્યાત છે, અને દશેરાની ઉજવણીમાં લોકોએ તેની જબરી ખરીદી કરી.
- Advertisement -
આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ફાફડા અને જલેબીમાં આંશિક વધારો થયો હતો, પરંતુ ચોળાફળીના ભાવમાં કોઈ વધારો નહોતો થયો, જે ગ્રાહકો માટે રાહતરૂપ બન્યો.
જિલ્લામાં 450થી 500 જેટલા વેપારીઓ ફરસાણ મીઠાઇના વેપાર સાથે જોડાયેલા હતા. દશેરા પર્વમાં જિલ્લાવાસીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર ખરીદી કરી. વેપારીઓએ ગત વર્ષની સરખામણીએ વધારે વેપાર થવાની આશા રાખીને દશેરામાં લોકોની ખરીદી માટે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.
સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે, દશેરાના દિવસે ચોળાફળી, ફાફડા, જલેબીની માંગ વધુ રહી. લોકોની માંગ પૂરી કરવા 1-2 દિવસ અગાઉથી તૈયારી કરવી પડી હતી. વેપારીઓની આ વર્ષે વધુ વેપાર થવાની આશા સાચી ઠરી.
કિલોદીઠ ભાવો (અંદાજિત)
જલેબી (દેશી ઘી): ₹450
જલેબી (તેલમાં): ₹260
ફાફડા, ગાંઠીયા: ₹400
ચોળાફળી: ₹320
- Advertisement -
ફાફડા-જલેબીના વધેલા ભાવ છતાં ખરીદીમાં ઘટાડો ન થયો