સૌરાષ્ટ્ર-કચ્છને જરૂર પડયે વધુ પાણી અપાશે: ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી, જિલ્લા માટે પાઈપલાઈન યોજના પુર્ણ: ઋષિકેશ પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
વર્તમાન ઉનાળામાં રાજયમાં પીવાના પાણીની તકલીફ પડે નહીં તે માટે રાજય સરકારે પાણીના સુચારૂ વિતરણ માટે પુરતું આગોતરું આયોજન કર્યુ છે.સૌરાષ્ટ્ર અને કચ્છ માટે બ્લક વોટર સપ્લાય ગ્રીડ મારફત હાલ સરેરાશ 2000 એમ.એલ.ડી.પાણી વિતરણ કરવામાં આવે છે. જે આગામી ઉનાળામાં જરૂરિયાત મુજ 2200 થી 2300 એમ.એલ.ડી. સુધી વિતરણ કરવાનું આયોજન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ મળેલી રાજયમંત્રી મંડળની બેઠકમાં પાણીની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને રાજયના જળાશયોમાં ઉનાળામાં ચાલે તેટલું પૂરતું પાણી ઉપલબ્ધ હોવાનું જણાવતા ઉમેર્યું હતું. કે દરિયા કાંઠાનાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જિલ્લા માટે બુધેલથી બોરડા બલ્ક પાઈપલાઈનની યોજના તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી આ વિસ્તારના ગામો તથા શહેરોને વધારાનું 180 એમ.એલ.ડી.પાણી ઉપલબ્ધ થયું.આ ઉપરાંત રાજયના ગ્રામીણ વિસ્તારમાં નર્મદા આધારિત જુથ પાણી પુરવઠા યોજનાઓ મારફત 3100 એમ.એલ.ડી.પાણીનું જયારે નર્મદા સિવાયના અન્ય સરફેસ સ્ત્રોત આધારિત જુથ યોજનાઓમાં 1100 એમ.એલ.ડી.પાણી વિતરણ કરવામાં આવે છે.
રાજયમાં આવેલ જળાશયો પૈકી 72 જળાશયો આધારિત પાણી પુરવઠાની જુથ યોજનાઓ કાર્યરત છે આમ, આ તમામ જળાશયોમાં આગામી ઉનાળા દરમ્યાન ચાલે તેટલુ પુરતું પાણી ઉપલબ્ધ છે. પ્રવકતા મંત્રીએ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની ફરિયાદ નોંધવા માટે 24ડ્ઢ7 ટોલ ફી નંબર 1916 કાર્યરત છે.