જંગલેશ્ર્વર દબાણ મુદ્દે જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશની પ્રેસ કોન્ફરન્સ
ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના નિર્ણય બાદ જ ડિમોલિશન થશે કે નહીં તે સ્પષ્ટ થશે
- Advertisement -
જંગલેશ્ર્વરમાં ડિમોલિશન પર હાઇકોર્ટે હાલ રોક લગાવી છે, આ નિર્ણયને પગલે 20 હજાર લોકોને 3 મહિના સુધી રાહત મળી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો અને તેને હટાવવાની કામગીરી અંગે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વહીવટી તંત્ર હાલ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ (ૠછઝ)ના આદેશની રાહ જોઈ રહ્યું છે અને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના આકરા પગલાં લેવામાં આવશે નહીં. કલેક્ટરે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે આપેલા નિર્દેશો મુજબ જંગલેશ્વર વિસ્તારના અસરગ્રસ્ત રહેવાસીઓને પોતાની રજૂઆત કરવા માટે તક આપવામાં આવી છે. હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ જ આ લોકોને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ (ૠછઝ)માં જવા માટે જણાવવામાં આવ્યું છે. હાલમાં આ કેસ જીઆરટી સમક્ષ વિચારાધીન છે. જ્યારે દબાણકર્તાઓ દ્વારા કરવામાં આવતી વૈકલ્પિક જમીન કે આવાસની માંગણી અંગે કલેક્ટરે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, સરકારી જમીન પર જે લોકોએ દબાણ કર્યું છે તેમને અન્ય જગ્યાએ જમીન ફાળવવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી.
જ્યાં સુધી ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં કેસ ચાલુ છે, ત્યાં સુધી જિલ્લા વહીવટી તંત્ર આ મામલે કોઈ દખલગીરી કે કાર્યવાહી કરી શકશે નહીં. જીઆરટી જે નિર્ણય લેશે, તે મુજબ જ તંત્ર દ્વારા આગળના પગલાં ભરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીના 1358 પરિવારોને ડિમોલિશન માટેની ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી. જે મુદ્દે રહીશો હાઈકોર્ટમાં ગયા હતા જ્યાંથી ડિમોલિશન પર હાઈકોર્ટે રોક લગાવી છે.



