ચૂંટણી પંચને રાહત : મતદાનના 48 કલાકમાં ટકાવારી જાહેર કરવાની માગ સુપ્રીમે ફગાવી
લોકસભાની ચૂંટણી પૂર્ણ થવા જઇ રહી છે, આ સમયે આદેશ આપીને પંચ પર કામનું ભારણ ના વધારી શકાય : સુપ્રીમ
પ્રત્યેક બુથના મતોના રેકોર્ડ માટેના ફોર્મ 17-ઈની માહિતી જાહેર કરવાનો કોઇ નિયમ નથી : ચૂંટણી પંચ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
લોકસભાની ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. મતદાન પૂર્ણ થયાના 48 કલાકમાં જ પ્રત્યેક મતદાન મથકે પડેલા કુલ મતના આંકડાનો રેકોર્ડ એટલે કે ફોર્મ 17-સીની સ્કેન કરેલી કોપી વેબસાઇટ પર જાહેર કરવાની માગ સુપ્રીમ કોર્ટે હાલ ફગાવી દીધી છે. આ માગણી એડીઆર નામની સંસ્થા દ્વારા કરાઇ હતી, જેનો ચૂંટણી પંચ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે માગ ફગાવતા કહ્યું હતું કે હાલ ચૂંટણી અંતિમ તબક્કામાં પ્રવેશવા જઇ રહી છે. આ સ્થિતિ વચ્ચે આદેશ આપીશું તો ચૂંટણી પંચ પર કામનું ભારણ વધી જશે.
એડીઆર નામની સંસ્થાએ અગાઉ વર્ષ 2019માં પીઆઇએલ કરી હતી, જ્યારે હાલ ચૂંટણી વચ્ચે વચગાળાની અરજી કરીને માગણી કરી હતી કે આ ચૂંટણીમાં શરૂઆતના તબક્કાઓમાં મતદાન પૂર્ણ થયા પછી ઘણા દિવસો બાદ કુલ મતોનો પુરો આંકડો જાહેર કરાઇ રહ્યો છે, અને મતદાનની ટકાવારી પણ બદલી જાય છે. જેનાથી લોકોમાં એક ભ્રમ પેદા થયો છે. આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને આદેશ આપે કે તે મતદાન પૂર્ણ થયા બાદ 48 કલાકમાં જ પ્રત્યેક બુથ પર કેટલુ મતદાન થયું તેની માહિતી જાહેર કરે. આ માહિતી ફોર્મ 17-સીમાં રેકોર્ડ કરવામાં આવે છે માટે આ ફોર્મની સ્કેન કરેલી કોપી ચૂંટણી પંચ પોતાની લેબસાઇટ પર જાહેર કરે. તેવી માગ કરાઇ હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ સતિશચંદ્ર શર્માની બેંચે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, હવે માત્ર બે જ તબક્કાનું મતદાન બાકી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે જો અમે આવા કોઇ આદેશ આપીશું તો ચૂંટણી પંચ માટે આદેશનું પાલન કરવા વધુ માણસોની જરૂર પડશે.
અમે નથી ઇચ્છતા કે આવા કોઇ આદેશથી વર્તમાન ચૂંટણી પ્રક્રિયા પર તેની કોઇ અસર થાય. અરજદાર દ્વારા વચગાળાનો આદેશ આપવા માગ કરાઇ છે, જ્યારે આ જ પ્રકારની માગણી અગાઉ આ જ અરજદાર (એડીઆર) દ્વારા વર્ષ 2019માં દાખલ પીઆઇએલમાં કરાઇ છે જે પેન્ડિંગ છે. માટે વર્તમાન માગણીને અગાઉની પીઆઇએલ સાથે જોડીને તેની બાદમાં સુનાવણી કરવામાં આવશે. અમે હાલ ચૂંટણી વચ્ચે કોઇ પણ પ્રકારનો આવો વચગાળાનો આદેશ આપીને ચૂંટણી પંચ બર કામનું ભારણ વધારવા નથી માગતા.
- Advertisement -
એડીઆરની માગણી પર સુપ્રીમ કોર્ટે અગાઉ ચૂંટણી પંચનો જવાબ માગ્યો હતો, 225 પાનાના જવાબમાં પંચે કહ્યું હતું કે માત્ર ઉમેદવાર અથવા પોલિંગ એજન્ટ સિવાય આ માહિતી અન્ય કોઇ માટે જાહેર કરવાનો કાયદામાં ઉલ્લેખ નથી. જો અમે આ માહિતી જાહેર કરીશું તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર અસર થઇ શકે છે કેમ કે તેનાથી કોપી સાથે છેડછાડ થઇ શકે છે. જો એડીઆરની માગણીનો સ્વીકાર કરવામાં આવે તો ચૂંટણી મશીનરી પ્રત્યે લોકોમાં ભ્રમ પેદા થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે બન્નેની દલીલો સાંભળ્યા બાદ શુક્રવારે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે અમે હાલ ચૂંટણી પંચને ફોર્મ 17-સી મતદાન પૂર્ણ થયાના 48 કલાકમાં જ જાહેર કરવાનો આદેશ ના આપી શકીએ કેમ કે હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે તેના પર અસર થઇ શકે છે, હવે સુપ્રીમ કોર્ટ આ અંગે કોઇ આદેશ આપવાની ના પાડીને મામલાને વધુ સુનાવણી માટે સ્થગિત કરી દીધો છે. તેથી વેકેશન પૂર્ણ થયા બાદ રેગ્યુલર બેંચ દ્વારા તેના પર સુનાવણી થઇ શકે છે.
સુપ્રીમ કોર્ટમાં એડીઆરની અરજી પર સુનાવણી દરમિયાન ન્યાયાધીશ દિપાંકર દત્તાએ એક હિન્દી કહેવત આ બૈલ મુજે મારને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે મે ચૂંટણી પંચના વકીલ મનિંદરસિંહને ચૂંટણી પંચની મતોની ટકાવારી લાઇવ આપતી એપ્લિકેશન વિશે પૂછ્યું હતું કે શું આ ડેટા લાઇવ જાહેર કરવા ફરજિયાત છે. તો
જવાબમાં મને ચૂંટણી પંચે કહ્યું હતું કે એવી કોઇ જોગવાઇ નથી પણ ચૂંટણી પંચ આ માહિતી ચૂંટણીમાં પારદર્શીતા લાવવા માટે આપે છે.
તે દિવસથી મે ઓપન કોર્ટમાં કઇ નથી કહ્યું પણ આજે હું કહેવા માગુ છું. આ મને આ બૈલ મુજે માર જેવું લાગ્યું. ન્યાયાધીશે ચૂંટણી પંચની થઇ રહેલી ટિકાને ધ્યાનમાં રાખીને આ ટિપ્પણી કરી હતી.