દોલતપરાથી મજેવડી દરવાજા સુધીનાં રોડ પર ગટરનું કામ થતાં ટ્રાફિક જામ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ભવનાથમાં યોજાતા શિવરાત્રિના મેળા આડે માત્ર 10 દિવસ બાકી છે. 25 ફેબ્રુઆરીથી મેળાનો પ્રારંભ થતો હોય છે. જો કે હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. પરંતુ મહાનગરપાલિકાની અણઆવડતના કારણે વધુ એક વખત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. શિવરાત્રિનાં મેળા માટે મુખ્ય માર્ગ ગણાતા દોલતપરાથી મજેવડી ગેઈટ સુધીના માર્ગ ઉપર ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક જામ થઈ રહ્યો છે ત્યારે મેળાના સમયે વધુ ટ્રાફિક થશે. ગટર માટે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે પરિણામે ભારે હાલાકીનો સામનો કરવો પડશે. 10 દિવસની અંદર કામ પૂર્ણ થાય તો મેળામાં ટ્રાફિક ન થાય. બાકી મેળામાં આવતા લોકોને હાલાકી ભોગવવી પડશે.
મેળાનો તાત્કાલિક નિર્ણય કરો
- Advertisement -
જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી શિવરાત્રિનાં મેળાને તાત્કાલિક મંજૂરી આપવા કહ્યું હતું. બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કહ્યું હતું કે મેળાને મંજૂરી આપવામાં નહીં આવે તો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની
ફરજ પડશે.
70 લાખથી વધુની આવક એસ.ટી.ને
પરિક્રમા અને શિવરાત્રિના મેળા માટે એસ.ટી. વિભાગ દ્વારા વધુ બસ દોડાવવામાં આવે છે. એસ.ટી.ને 70 લાખથી વધુની આવક થતી હોય છે. મેળો ન થવાના કારણે એસ.ટી. વિભાગ આ આવક ગુમાવે છે.
- Advertisement -
શાકભાજી યાર્ડમાં તેજી આવે
મેળામાં અન્નક્ષેત્રો શરૂ થતાં શાકભાજી યાર્ડમાં પણ તેજીનો માહોલ આવી જાય છે. માત્ર જૂનાગઢ યાર્ડ નહીં અન્ય યાર્ડમાંથી પણ શાકભાજી મંગાવવા પડે છે.
શહેરના માર્ગોનું પણ રિપેરીંગ
મેળામાં શહેરમાંથી પણ લોકો જતાં હોય છે. જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે. હવે મેળો નજીક આવતા તૂટેલા રસ્તા રિપેર કરવા કામ શરૂ કરવામાં આવ્યું છે. પરિણામે શહેરનાં માર્ગો ઉપર પણ ટ્રાફિક થશે.