4 રાજસ્થાની શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા
પોલીસે રૂ.2.39 લાખની ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો, રાજકોટ રેન્જના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ મીઠાપુર
- Advertisement -
મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગેસ ગોડાઉનમાંથી થયેલી રૂ. 2.39 લાખની ગેસ બોટલોની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચાર રાજસ્થાની આરોપીઓને ચોરીના તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા. 1 સપ્ટેમ્બર, 2025ના રોજ ફરિયાદી નરેન્દ્રભાઈ ટાકોદરાના ગેસ ગોડાઉનમાંથી 116 ઘર વપરાશના અને 41 કોમર્શિયલ ગેસના બાટલાઓની ચોરી થઈ હતી. જેની કુલ કિંમત રૂ. 2,39,264 હતી. આ અંગે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હતી.
મીઠાપુર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વાંઝાના નેતૃત્વ હેઠળ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોરોને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ વારોતરીયા અને પરબતભાઈ કંડોરીયાને મળેલ બાતમીના આધારે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર રાજસ્થાની શખ્સોને ઝડપી પાડ્યા છે:મુલારામ રત્નારામ રાયકા (ઉંમર 26), સ્વરૂપારામ રત્નારામ રાયકા (ઉંમર 30), તીલારામ ઉર્ફે ત્રીલોક રત્નારામ રાયકા, મુલારામ ચુતરારામ રાયકા (ઉંમર 23). આ તમામ આરોપીઓ જોધપુર જિલ્લાના ઘંટીયાળી ગામના રહેવાસી છે.
પોલીસે તેમની પાસેથી ચોરી થયેલા 42 કોમર્શિયલ ગેસ બાટલા, 41 કોમર્શિયલ બોટલની રોકડ સિલક અને 116 ઘર વપરાશના બાટલાની રોકડ રકમ સહિત કુલ રૂ. 2,39,264નો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વાંઝા સહિત પોલીસ સ્ટાફના અનેક સભ્યો જોડાયા હતા.



