કારખાનાના બાજુમાં બાંધકામ ચાલતું હોય તે તરફની દીવાલમાં બાકોરું પાડી તસ્કરો કારખાનામાં ઘૂસ્યા
મંદીના કારણે છેલ્લા દોઢેક મહિનાથી તેનું કારખાનું બંધ હાલતમાં હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. મયુરનગરમાં બંધ કારખાનામાંથી 4.55 લાખની ચોરી થઇ હોય પોલીસે ફરિયાદ નોંધી સગીર સહીત 23ને ઝડપી લઇ મુદામાલ રીકવર કરવા તપાસ હાથ ધરી છે.
વકીલ કેયુરભાઈ કેરાળિયાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં પોતાના મયુરનગર મેઈન રોડ પર આવેલા ક્રિષ્ના સિલ્વર નામના કારખાનામાં ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મંદીના કારણે છેલ્લા દોઢેક મહિનાથી તેનું કારખાનું બંધ હાલતમાં હતું. જોકે, હાલમાં જ તેઓ પોતાના કારખાને ગયા હતા. અહીં પહોંચતા તેમને ખ્યાલ આવ્યો હતો કે, કારખાનામાં ચોરી થઈ છે. કારખાનાના બાજુમાં બિલ્ડિંગનું બાંધકામ ચાલતું હોય તે તરફની દીવાલમાં બાકોરું પાડી તસ્કરો કારખાનામાં ઘૂસ્યા હતા અને કારખાનાના ડેલાનું તાળુ તોડ્યું હતું.
ક્રિષ્ના સિલ્વર નામના કારખાનામાં ચાંદીનું કાસ્ટિંગ, ચાંદીની ચેઈન અને ચાંદીની ઘુઘરી બનાવવાનું અગાઉ કામ થતું હતું. કારખાનામાં ઘૂસેલા તસ્કરોએ ડેલાનું તાળુ તોડ્યા બાદ ઓફિસમાં જવા માટે લોખંડનું શટર હતું તેનું તાળુ તોડ્યું હતું. ઓફિસમાં પ્રવેશી તસ્કરોએ રૂ.5 હજારની કિંમતનું કઈઉ ટીવી ચોરી કર્યું હતું. ત્યારબાદ ઓફિસમાં લાકડાના ટેબલમાં ચાંદીના દાગીના બનાવવાની પેટર્ન જે આશરે બેથી અઢી કિલોના હતા અને તેની કિંમત આશરે 45 હજાર થતી હતી તે ચોરી કરી લઈ ગયા હતા. ત્યારબાદ ત્રીજી ઓફિસમાં બે લોખંડના કબાટ અને લાકડાના ટેબલના ખાનામાંથી ચાંદીના દાગીના બનાવવાની અલગ અલગ પેટર્ન આશરે સાડા બાવીસ કિલો ચાંદી જેની કિંમત આશરે 4.05 લાખ થતી હોય તે તસ્કરો ચોરી ગયા હતા.
અઠવાડિયામાં ચોરીનો ચોથો બનાવ
તસ્કરોએ શહેરને બાનમાં લીધું હોય તેમ એડવોકેટના માતાના મકાનમાંથી 2.75 લાખની, થોરાળામાં સાડીના કારખાનામાંથી 15 લાખની, અયોધ્યા ચોકમાંથી 3 લાખની ચોરી નોંધાયા બાદ મયુરનગરમાં બંધ કારખાનામાંથી 4.55 લાખની ચોરી થયાનો આ ચોથો બનાવ નોંધાયો છે.