ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં એક બાદ એક મંદિરોને તસ્કરો દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે જેમાં સૌ પ્રથમ વઢવાણ ખાતે મેલડી માતાજીના મંદિરે ચોરી કર્યા બાદ ધ્રાંગધ્રા શહેરના નાની બજાર સ્થિત દેરાસર ખાતે સોનાના આભૂષણોની ચોરી થવાની ઘટના સામે આવી હતી જ્યારે આ દેરાસરમાં ચોરી અંગેની સહી હજુ તો સુકાઈ નથી ત્યાં ફરી બીજા દિવસે ધ્રાંગધ્રા શહેરના સ્મશાન ખાતે મેલડી માતાજીના મંદિરે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જોકે અહીં મેલડી માતાજીના મંદિરે સીસીટીવી કેમેરા હોવાના લીધે બે ચોર ઈસમો દાન પેટી અને અન્ય ચાંદીની માતા ચોરી કરતા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના નાની બજારમાં જૈન દેરાસરમાં ભગવાનની પ્રતિમા પર ચડાવેલ સોનાના આભૂષણોની ચોરી બાદ બીજા દિવસે જ સ્મશાન ખાતે આવેલા મેલડી માતાજીના મંદિરે દાન પેટી અને ચાંદીના બોકડો સહિત કિંમતી સામગ્રીની ચોરી થઈ હતી જ્યારે આ અંગે મંદિરના પૂજારી અને ભક્તોને બનાવ અંગે જાણ થતા મંદિરના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા જેમાં બે જેટલા ચોર ઈસમો મંદિરમાં ચોરી કરતા હોવાની ઘટના કેદ થઈ હતી જે અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ હાથવગા કરી ચોર ઇસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ધ્રાંગધ્રા જૈન દેરાસર બાદ સ્મશાન ખાતે મેલડી માતાજીના મંદિરમાં ચોરી



