16થી 18 સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનાર યુવક મહોત્સવ મોકૂફ
આ વર્ષે માત્ર 8 જ દિવસમાં યુવક મહોત્સવનું તાબડતોબ આયોજન કરી નાખતા વિદ્યાર્થીઓ પણ અકળાયા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16મી સપ્ટેમ્બરથી શરૂ થનાર યુવક મહોત્સવને મોકુફ રાખવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ 7મીએ સંલગ્ન તમામ કોલેજો માટે પરિપત્ર બહાર પાડ્યો જેમાં 8 દિવસ પછી એટલે કે 16મી સપ્ટેમ્બરે યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. ત્યારે હાલ યુવક મહોત્સવ વરસાદી વાતાવરણના કારણે મોકૂફ રાખ્યો કે, કોલેજોમાંથી એન્ટ્રી ન આવી. તે એક સવાલ છે.
આ વર્ષે માત્ર 8 જ દિવસમાં યુવક મહોત્સવનું તાબડતોબ આયોજન કરી નાખતા વિદ્યાર્થીઓ પણ અકળાયા હતા અને કહ્યું હતું કે, આટલા ટૂંકા સમયમાં જુદી જુદી સ્પર્ધાઓની તૈયારી કરવી ખૂબ મુશ્કેલ છે. અભ્યાસની સાથે તૈયારી કરવામાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને બદલે શિક્ષણમંત્રીને ઉદઘાટન કરવામાં કઈ તારીખ અનુકૂળ છે તે ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યક્રમ ઘડી નાખતા કોલેજ સંચાલકો અને સ્પર્ધકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જો કે, યુનિવર્સિટીએ વરસાદને વિલન બનાવી યુવક મહોત્સવને મોકૂફ કરાયાનું ચર્ચાએ જોર પકડ્યું છે.
સંસ્કૃતિને ઉજાગર કરતી જુદી જુદી સ્પર્ધાઓ યોજાતી હોય છે
યુવક મહોત્સવમાં દર વર્ષે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતી જુદી જુદી સ્પર્ધાઓ યોજાતી હોય છે પરંતુ આ વર્ષે નવી ત્રણ સ્પર્ધા ઉમેદવારમાં આવી છે જેમાં કાવ્ય પઠન, ઇન્સ્ટોલેશન અને શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાનો સમાવેશ થાય છે. નવી ત્રણ સ્પર્ધામાં પણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ભવનના વિદ્યાર્થીઓ ભાગ લેશે.