ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં રવિવારે સાંજે ઝૂલતો પૂલ તૂટવાની ગોઝારી દુર્ઘટનામાં સેંકડો લોકો મોતને ભેટ્યા છે ત્યારે રવિવારની રાત્રીએ સમગ્ર મોરબી શહેર એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યું હતું તો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે મોરબીના ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પણ ખૂબ જહેમત ઉઠાવીને ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. મોરબીના આવા જ એક યુવા ડોકટર કેતન સાણંદીયા કે જેઓ હાલમાં મોરબીની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. ઝૂલતો પૂલ તૂટવાની દર્દનાક દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોની સારવારમાં ડો. કેતનની કામગીરી કાબિલેદાદ હતી. દુર્ઘટના ઘટ્યાના થોડા જ સમયમાં ડો. કેતન ક્યારેક ઘટનાસ્થળે ઈજાગ્રસ્તોની વ્હારે આવતા જોવા મળ્યા હતા તો ક્યારેક સિવિલ હોસ્પિટલમાં પણ ડો. કેતન દર્દીની સારવારમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓ જે ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તે હોસ્પિટલમાં પણ સતત 24 કલાક સુધી દર્દીની સારવારમાં ખડેપગે રહ્યા હતા તો કોરોના કાળમાં પણ સતત ત્રણ મહિના સુધી ડો. કેતન સાણંદીયાએ દિન રાત જોયા વગર દર્દીઓની નિ:શુલ્ક અને નિસ્વાર્થ ભાવે સારવાર કરી હતી.