વર્તમાન નાણાકીય વર્ષ 2022-23 માટે વિશ્વ બેન્કે બીજી વખત ભારતનો આર્થિક અંદાજ સુધાર્યો છે
ખાસ-ખબર સંવાદદાતા
વર્લ્ડ બેન્કે મંગળવારે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 7.5 ટકા કર્યો હતો. તેનું કારણ વધતો જતો ફુગાવો, સપ્લાય ચેઇનનો અવરોધ અને ભૂરાજકીય તનાવ ગણાવ્યું હતું. વર્તમાન નાણાકીય વર્ષ 2022-23 માટે વિશ્વ બેન્કે બીજી વખત ભારતનો આર્થિક અંદાજ સુધાર્યો છે. એપ્રિલમાં તેણે જીડીપીનો અંદાજ 8.7 ટકાથી સુધારી 8 ટકા કર્યો હતો. હવે આઠ ટકાથી સુધારીને 7.5 ટકા કર્યો છે. વિશ્વ બેન્કે વૈશ્વિક આર્થિક સંભાવનાના નવા ઇશ્યુમાં આ વાત જણાવી છે.
- Advertisement -
વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે તેને 2023-24માં ભારતનો આર્થિક વૃદ્ધિદર વધુ ઘટીને 7.1 ટકા થાય તેમ લાગે છે. ઇંધણથી લઈને શાકભાજીથી લઈને રાંધણગેસના બાટલાના ભાવ વધ્યા છે. જથ્થાબંધ ફુગાવો કે હોલસેલ પ્રાઇસ આધારિત ફુગાવો એપ્રિલમાં 15.08 ટકાના વિક્રમજનક સ્તરે પહોંચ્યો હતો અને રિટેલ ફુગાવો 7.79 ટકાના આઠ વર્ષના વિક્રમજનક સ્તરે પહોંચ્યો હતો. ઊંચા ફુગાવાના પગલે રિઝર્વ બેન્કની બિનઆયોજિત બેઠકમાં ફુગાવાનો દર 0.40 બેસિસ પોઇન્ટ વધારવામાં આવ્યો હતો. આ ઉપરાંત બુધવારે વધુ એક વધારો થાય તેવી સંભાવના છે.
જો કે વર્લ્ડ બેન્કની પૂર્વે જ વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ ભારતના જીડીપી વૃદ્ધિદરના અંદાજને ઘટાડયો હતો. ગયા મહિને મૂડીઝ ઇન્વેસ્ટર્સે ભારતનો જીડીપી વૃદ્ધિદર 2022-23ના 9.1 ટકાથી ઘટાડીને 8.8 ટકા કર્યો હતો. આ માટે તેણે ઊંચા ફુગાવાનું કારણ આપ્યું હતું. એસ એન્ડ પી ગ્લોબલે પણ 2022-23 માટે ભારતનો જીડીપી વૃદ્ધિદર અગાઉના 7.8થી ઘટાડી 7.3 ટકા થવાનો અંદાજ મૂક્યો છે. તેના માટે તેણે ઊંચો ફુગાવો અને રશિયા-યુક્રેન સંઘર્ષ લાંબો સમય ચાલવાને મહત્વનું કારણ ગણાવ્યું છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતનો વૃદ્ધિદર 7.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. બેરોજગારીનો દર ઘટીને રોગચાળા પૂર્વેના સ્તરે પહોંચી ગયો છે. પણ શ્રમબળની ભાગીદારીનો દર રોગચાળા પૂર્વેના સ્તર કરતા નીચો છે. કામદારો નીચું વેતન આપતી નોકરી તરફ વળ્યા છે.