ખાસ-ખબર ન્યૂઝ જસદણ
જસદણના ગુંદાળા (જામ) પ્રાથમિક શાળાની કૃતિ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં રજૂ થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં આનંદની લાગણી ફેલાણી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ભારત સરકાર દિલ્હી અંતર્ગત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિજ્ઞાન અને ટેકનોલોજી માં ભારતની નોંધપાત્ર પ્રગતિની ઉજવણી માટે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેરનું આયોજન આઇઆઈટી ગુવાહાટી આસામ ખાતે તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં ગુંદાળા (જામ) પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન અદિતિબેન કિશોરભાઈ દેશાણી તથા શાળાના વિદ્યાર્થીની બંસીબેન નાગજીભાઈ ઝાપડા ગુવાહાટી આસામ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરી રાજકોટ જિલ્લા તેમજ ગુજરાત રાજયનું ગૌરવ વધારેલ છે.
- Advertisement -
આ તકે ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ નોંધ લઈ ગુંદાળા(જામ) પ્રાથમિક શાળાને અભિનંદન પાઠવ્યા હતા. ઉપલેટા ખાતે રાજકોટ જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન-પયોવરણ પ્રદર્શનમાં ઉપસ્થિત ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ શિક્ષિકા અદિતિબેન દેશાણી ને અભિનંદન પાઠવી સન્માનિત કર્યા હતા. 2024-25ના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પણ આ શાળા સતત 12 મી વખત જિલ્લામાં ભાગ લીધેલ છે,જેમાં બંસીબેન એન.જાપડા, નવ્યાબેન જે.ઈટોલિયાએ પોતાની કૃતિ રજુ કરેલ હતી. અગાઉ પણ આ શાળા 8 વખત રાજય કક્ષા, 3 વખત નેશનલ કક્ષા અને એક વખત ઇન્ટરનેશનલ કક્ષામાં ભાગ લઈ ચૂકેલ છે .જેનાં માટે રાજકોટ જિલ્લો ગૌરવ અનુભવે છે.