જૂનાગઢ ઝાંઝરડા રોડ વિસ્તારમાં ખરાબ રસ્તાને લીધે મહિલાઓ વિફરી
મહાનગરપાલિકા કોર્પોરેટર અને તંત્ર સામે હાઈ હાઈના સૂત્રોચાર સાથે વિરોધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટર, પાણીની લાઈનો અને ગેસ લાઈન કામગીરી મંદગતિએ ચાલી રહી છે અને રસ્તાઓ ખોદાયા બાદ તે રસ્તાનું વ્યવસ્થિત સમાર કામ થતું નથી અને ધૂળના ઢગલા સાથે જેમ તેમ ખોદેલા રોડ છોડીને કોન્ટ્રાકટરો ચાલ્યા જાય છે ત્યારે ઝાંઝરડા વોર્ડ – 7 ની અનેક સોસાયટી વિસ્તારોમાં ખરાબ રસ્તાના લીધે વરસાદ પડતા કાદવ કીચડ અને પાણી ભરાતા સ્થાનિક મહિલાઓ રણચંડી બની હતી અને ઝાંઝરડા રોડ પર ઉતરી આવીને મનપા તંત્ર અને ચૂંટાયેલ સદસ્યોના હાઈ હાઈના નારા સાથે રોડ ચક્કાજામ કરતા પોલીસ અને તંત્ર દોડતું થયું હતું.
ઝાંઝરડા વિસ્તારમાં આવેલ હરિઓમ નગર, જાગાણી પટેલ સમાજ, જીવનધારા -1અને 2, કૃષ્ણ પાર્ક, વાલાણી નગર, રણછોડ નગર સહીતની સોસાયટીમાં ખોદેલા રસ્તા પર કાદવ, કીચડનું સામ્રાજ્ય જોવા મળતા અનેક વાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી જોવા મળી ન હતી ત્યારે મહિલાઓ રોષે ભરાઈ હતી અને માનવ સાંકળ રચીને ઝાંઝરડા રોડ ચક્કાજામ કર્યો હતો ત્યારે મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે હાથ જોડીને મત માંગવા આવતા કોર્પોરેટરો પાંચ વર્ષમાં દેખાતા નથી તેવો આક્ષેપ કર્યો હતો જયારે સમસ્યા ઉકેલવા ને બદલે પોલીસ કાફલો આવતા મહિલાઓ વધુ ગુસ્સે ભરાઈ હતી અને જ્યાં સુધી કોર્પોરેટરો ખાતરી ન આપે ત્યાં સુધી ચક્કાજામની ચીમકી આપતા મનપા તંત્ર દોડતું થયું હતું ત્યારે કોર્પોરેટરો તો દેખાયા નહિ પણ એક માત્ર મહિલા કોર્પોરેટર ડો.સીમાબેન પીપલીયા આવીને મહિલાની વ્યથા સાંભળી હતી અને પરિસ્થિતિને થાળે પાડવા મનપાના અધિકરી અલ્પેશ ચાવડા સહીત દોડી આવ્યા હતા અને મનપા અધિકરીઓને સોસાયટી વિસ્તારમાં કેવી સમસ્યા છે તેના માટે ખરાબ કીચડ વાળા રસ્તા પર દોડાવ્યા હતા અને મહિલાઓએ કહ્યું હતું કે, જુવો કેવી પરિસ્થિતિ છે આ વિસ્તારની બાદમાં ઝડપથી કામગીરી કરવાની ખાતરી મળતા મામલો શાંત પડ્યો હતો.