રાજ્યના તમામ CNG પંપ 3 માર્ચથી હડતાળ પાડશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના પેટ્રોલ પંપ પર વેચાતો સીએનજી 3 માર્ચથી અચોક્કસ મુદત માટે બંધ થશે. પેટ્રોલ પંપ પર વેચાતા સીએનજી પર છેલ્લા 55 માસથી માર્જીન ન વધતાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોશિએશને સીએનજી વેચાણ અચોક્કસ મુદત બંધ કરવાનો નિર્ણય કર્યો. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ એસોશિએશનને સમર્થન કરતાં ગુજરાત ગેસ ફ્રેન્ચાઇઝના ડિલરોએ પણ સીએનજી વેચાણ ન કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયથી રાજ્યમાં રહેલી 12 લાખ સીએનજી રીક્ષા અને 6 લાખ જેટલી સીએનજી કારને ભારે હાલાકી પડશે.
આજે અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ એસોશીએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યુ કે છેલ્લા પપ માસમાં સીએનજીના દરોમાં ધરખમ વધારો થયો છે. સાથે જ સીએનજીના વેચાણ અને તેના સંચાલન ખર્ચમાં પણ વધારો થયો જેની સામે ઓઇલ માર્કેટીંગ કંપની આઇઓસીએલ,બીપીસીએલ અને એચપીસીએલ કંપની દ્વારા સીએનજીના માર્જીનમાં કોઇ પણ પ્રકારનો વધારો ન કરતાં વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે. 1 જુલાઇ 2019ના રોજ સીએનજી પરનો માર્જીન રીવાઇઝ કરવામાં આવ્યું હતું. ફેડરેશનની માંગ છે કે હાલના તબક્કે માર્જીનમાં 50 ટકાનો વધારો કરી દર વર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવે. સીએનજી પર માર્જીનની ભલામણ કરવા માટે આઇઆઇએમ બંગ્લોરની નિમણુક કરી હતી. જેનો રીપોર્ટ 2019માં જમા કરવામાં આવ્યો પણ આજ દિન સુધી તેનો અમલ થયો નથી. અરવિંદ ઠક્કરનું કહેવું છે કે માર્જીન વધારવા માટે ત્રણ મોટી ઓઇલ કંપની આઇઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ તથા પેટ્રોલીયમ મંત્રાલયને પત્ર લખી જાણ કરવામાં આવી. અત્યાર સધી 12 જેટલી બેઠકો પણ કરવામાં આવી. જોકે કોઇ સકારાત્મક નિર્ણય ન આવતાં છેવટે સીએનજી વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો.