મંત્રીજીના મતવિસ્તારમાં ખનીજમાફિયા બેફામ
ખાસ-ખબર સંવાદદાતા
માળિયા મિંયાણાના જુના ઘાંટીલા, ખાખરેચી, વેજલપર રોડ ઉપર ગેરકાયદેસર પાસ પરમીટ કે રોયલ્ટી વગર દોડતા ખનીજ ભરેલા ડમ્પરો બેફામ બન્યા છે જે ડમ્પરો કોઈ નિર્દોશ વ્યક્તિનો ભોગ લે તો નવાઈ નહીં. આ રોડ ખનીજચોરીથી ખદબદી ગયો હોય તેમ દરરોજ અનેક રેતી ભરેલા ડમ્પરો પુરપાટ ઝડપે માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે. ખનીજમાફિયાઓને તંત્રનો ડર જ ન હોય તેમ ધોળા દિવસે ટીકરની નદીમાંથી રેતીની ચોરી કરીને જુના ઘાંટીલા ખાખરેચી રોડ ઉપર થઈને મોરબી સુધી ખુલ્લેઆમ રેતીનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે અને દરરોજ રેતીની ચોરી કરીને ખનીજચોરો સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચુનો લગાવી રહ્યા છે.
- Advertisement -
માળિયાના ખાખરેચી રોડ પરથી રેતીચોરી માટે સ્થાનિક તંત્રએ છુટ આપી દીધી હોય તેમ દરરોજ અનેક ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરો માળિયા પોલીસ અને મામલતદારના નાક નીચેથી પસાર થાય છે જે હજારો ટન રેતી ભરેલા ડમ્પરો મોરબી સુધી ઠલવાઈ છે તે જગજાહેર છે છતાં પણ આ ડમ્પરો સુરદાસ બની ગયેલા અધિકારીઓને દેખાતા નથી કે પછી ધોળા દિવસે થતી રેતીચોરી હપ્તારાજથી થઈ રહી છે ? તે પણ એક પ્રશ્ન છે ત્યારે સરકારી બાબુડાની ભુંડી ભુમિકા અને રાજકીય ઓથ ધરાવતા મગરમચ્છોની દયાથી ચાલતું જગજાહેર રેતીચોરીનું રેકેટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
રેતીચોરીના રાજાની સેનામાં કોણ કોણ સામેલ ? ચારેકોર ચર્ચા !
ખનીજમાફિયાઓ દ્વારા થતી રેતીચોરીના રાજાની સેનામાં કોણ કોણ સામેલ છે તે એક તપાસનો વિષય છે. માળિયા પંથકમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે રોયલ્ટી વગરની રેતીનું રેકેટ મોટાપાયે તંત્રની મીઠી નજર હેઠળ ધમધમી રહ્યું છે ત્યારે સ્થાનીક તંત્રને મોતીયો આવી ગયો છે? જીલ્લા કલેકટર અને ખનીજ વિભાગ ખનીજમાફિયાઓથી બીવે છે? કે પછી આ ગોરખધંધાની કમાણીમાં અધિકારીઓનો ભાગ પડે છે ? તે સૌથી મોટો સવાલ છે. હળવદ પંથકના ટીકરમાંથી ચોરી થતી ગેરકાયદેસર રેતી ડમ્પરો મારફતે માળિયાના ખાખરેચી રોડ ઉપર થઈને મોરબી સુધી પહોંચે છે ત્યારે આજદિન સુધી ખનીજચોરી બંધ તો નથી જ થઈ પરંતુ શેકેલો પાપડ પણ ભાંગી ન શક્યા તેવા સરકારી અધિકારીઓ મોરબી માળિયામાં ફરજ બજાવે છે તે શરમજનક બાબત છે.
ખનીજમાફિયાઓ પાસે સરકારી બાબુઓ મિંયાની મિંદડી!
- Advertisement -
ખનીજચોરી મામલે સ્થાનિકોની વારંવાર રજુઆત બાદ પણ પરીણામ શુન્ય મળતા સફેદ રેતીના કાળા કારોબારમાં મોરબી તો ઠીક છેક ગાંધીનગર સુધી હપ્તાઓ પહોંચતા હોવાની ચર્ચા સ્થાનિક લોકોમાં થઈ રહી છે. માળિયા પંથકમાં ખનીજમાફિયાઓ કાયદાને જાણે મૂઠીમાં લઈને ફરતા હોય તે રીતે ખનીજચોરી કરતા હોવાથી સરકારી બાબુડાઓ ખનીજ માફીયાઓ પાસે મીંયાઉની મિંદડી બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ઉપરાંત માળિયા પંથકમાં અંધા કાનુન જેવા તાલથી મંત્રીજીના મતવિસ્તારમાં ગેરકાયદેસર ધંધા બેફામ ફુલ્યા ફાલ્યા છે જેના પર કાબુ મેળવવા સિંઘમ અને ઈમાનદાર પોલીસ અધિકારી તથા મામલતદારની જરૂર છે.