ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા યુવાન પર સોમવારે મોડી સાંજે ગામના જ આઠ જેટલા શખ્સોએ ગાડી ચલાવવા મુદ્દે માથાકૂટ કરીને છરી અને ધોકા વડે માર મારી હુમલો કર્યા હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે. આ ઘટના બાદ ગ્રામજનોએ બંધનું એલાન કર્યું હતું જેને પગલે જેતપર ગામની બજાર આજે વહેલી સવારથી જ સજ્જડ બંધ રાખવામાં આવી છે અને આજે બપોરે ગ્રામજનોએ જીલ્લા પોલીસ વડા અને કલેકટરને લેખિત રજૂઆત પણ કરી હતી.
મોરબી તાલુકાના જેતપર ગામમાં રહેતા રાજેશભાઈ ભુદરભાઈ પટેલ સોમવારે સાંજના સમયે ગામની મોમાઈ કરિયાણા સ્ટોર નામની દુકાન પાસે ઉભા હતા ત્યારે અબ્દુલ નામનો શખ્સ આવી ચડ્યો હતો અને ગાડી ચલાવવા મુદે થયેલ ઝઘડાનો ખાર રાખી રાજેશભાઈને ગાળો આપી હતી બાદમાં રાજેશભાઈ જ્યારે ચામુંડા પાન નામની દુકાને બેઠા હતા તે દરમિયાન ચાર જેટલા બાઈકમાં આવેલા અબ્દુલ નથુ કૈડા, ભુરો અબ્દુલ કૈડા, ઈમ્તિયાઝ અબ્દુલ કૈડા, અસલમ હનીફભાઈ, અબ્દુલનો ભત્રીજો અકીલ અને સાહિદ તુફાન ઓસમાણ તેમજ હુસેન ઓસમાણ સહિતનાએ છરી અને ધોકા વડે હુમલો કરી રાજેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે મોડી રાત્રે તાલુકા પોલીસે આઠ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં ચારેક આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું પણ સામે આવ્યું છે. આ બનાવને પગલે ગ્રામજનોએ બંધ પાળવાની જાહેરાત કરતા આજે વહેલી સવારથી જેતપર ગામની બજાર સજ્જડ બંધ રહી હતી અને આજે બપોરે ગ્રામજનોએ જીલ્લા પોલીસ વડા અને કલેકટરને આવેદનપત્ર આપી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.