ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા એવા શનાળા રોડ પર અલગ અલગ સ્થળે દિવસ દરમિયાન ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે તેમાં પણ સરદારબાગ સામે શાળા કોલેજ શરૂ થવા અને છૂટવાના સમયે સ્કૂલ વાહન, ફોર વ્હિલ, રીક્ષા અને બાઈક સહિતના વાહનો વધી જાય છે જેના કારણે અહીં ટ્રાફિક જામનો કાયમી પ્રશ્ન છે તો બીજી તરફ આસપાસ કોમ્પ્લેક્ષમાં ખરીદી માટે આવતા લોકો માટે આવેલી સાર્વજનિક પાર્કિંગની જગ્યા પર કોરોના કાળ દરમિયાન હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલી શાકમાર્કેટ કાયમી થઈ ગઈ છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે.
અહીં શાળા-કોલેજો આવેલી છે જેથી સવારના સમયમાં ટ્રાફિકજામ તથા પાર્કિગના પ્રશ્નો સર્જાતા હોય છે ત્યારે આ મુદ્દે મોરબીની કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોરબી પાલીકામાં શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા અંગે રજૂઆત કરવામાં આવી છે. કોરોના મહામારી દરમિયાન શાળા કોલેજ બંધ હોવાથી ટ્રાફિક જામ થતો ન હતો, જેથી જે તે સમયે મોરબી નગરપાલીકા દ્વારા શહેરના સરદાર બાગ સામેના પાર્કીંગમાં શાક માર્કેટ યોજવા અંગે વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ હવે શાળા-કોલેજો શરૂ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં શાક માર્કેટ મુદે પાલીકા દ્વારા કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી વહેલી સવારે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાય છે તેમજ તે વિસ્તારમાં વિવિધ શાળા કોલેજો તેમજ હોસ્પીટલો પણ આવેલ છે. વિદ્યાર્થીઓ તેમજ હોસ્પીટલ પર આવતા દર્દીઓને પાર્કિંગની જગ્યા મળતી નથી જેના કારણે આડેધડ વાહન પાર્કીંગ થવાથી ટ્રાફીકનો પ્રશ્ન સર્જાય છે જેથી શાક માર્કેટ અન્ય સ્થળે ખસેડવા મોરબીની કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા પાલીકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.