કેશોદનાં અગતરાયનો યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો
વ્યાજંકવાદી રવિ જયસુખ ટાટમિયા, રાજ કરમટા, રામ રબારી, ડી.જે. ફ્રુટવાળા અજય અને જે.પી. જવેર્લસવાળા યશ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો સામે કડક કાર્યવાહીના આદેશ કરતા પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનાં અગતરાય ગામનો યુવાન ઉંચા વ્યાજના વિષચક્રમાં ફસાતા કેશોદના પાંચ વ્યાજંકવાદીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.
આ અંગેની કેશોદ પોલીમાંથી મળતી વિગત મુજબ કેશોદ તાલુકાનાં અગતરાય ગામમાં રહેતા અને ખેત મજુરી કરતા કિરીટ જેન્તીભાઇ હિરાણીએ પોતાના ભાઇઓ સાથે ત્રણ વર્ષ પહેલા કેશોદમાં પાનનો ગલ્લામાં ખોટ જતા કેશોદના રવિ જયસુખ ટાટમીયા પાસેથી પાંચ લાખ વ્યાજે લીધા હતા અને વ્યાજની ચોખવટ નહીં થતા ર0 ટકા ઉંચા વ્યાજની માંગણી કરી હતી. ત્યારે કિરીટભાઇએ પાંચ લાખના 15 લાખ ચુકવી આપ્યા છતાં વધુ વ્યાજની માંગણીઓ થતી હતી. 15 લાખ ચુકવી આપ્યા છતાં વધુ રૂપિયાની માંગણી થતાં વ્યાજંકવાદી રવિ ટાટમીયા અન્ય વ્યાજખોર રાજ કરમટા સાથે મુલાકાત કરાવી હતી અને તેની પાસેથી 1.20 લાખ 20 ટકા વ્યાજે અપાવ્યા હતા. તેને 1.50 લાખ ચુકવી આપ્યા છતાં 2.50 લાખ માંગ્યા હતા.
કિરીટભાઇ હિરાણીને વ્યાજના ચક્કરમાં ફસાતા વધુ પૈસાની જરૂર પડતા કેશોદના જે.પી.જવેર્લસ વાળા યશભાઇ પાસે રવિ ટાટમીયા લઇ ગયો હતો. તેની પાસેથી 2.50 લાખ ર0 ટકા વ્યાજે અપાવ્યા હતા અને 10 દિવસમાં પરત કરવા કહ્યુ હતુ. કિરીટભાઇ તેમના પત્નિના દાગીના વેંચી પૈસા આપી દીધા છતાં યશ જવેર્લસ વાળાએ 3.50 લાખની માંગ કરી હતી.
વર્ષ-2022માં સાતમ આઠમ પૂર્વે કિરીટભાઇ હિરાણીના દાદા-દાદીની જમીન 72 લાખમાં વેંચી હતી. તેના 22 લાખનો એક હપ્તો વ્યાજંકવાદી રવિ ટાટમીયા જમીન લેનાર પાસેથી લઇ ગયો હતો. અંતે કિરીટ હિરાણી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કિરીટ જેન્તીભાઇ હિરાણીએ કેશોદના રવિ જયસુખ ટાટમીયા, રાજ કરમટા અને રામ રબારી, ડી.જે.ફુટવાળા અજય, જે.પી. જવેર્લસવાળો યશ સામે ફરિયાદ નોંધતા કેશોદ પોલીસે પાંચ શખ્સો સામે આઇપીસી કલમ 384, 386, 506 (2), 114 ગુજરાત નણા નિર્ધાર કરનાર અધિનિયમ પ,33,40,42-એ અને 42-બી મુજબ ગુનો નોંધી મુખ્ય આરોપીને હસ્તગત કરી વધુ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
વ્યાજખોરોનાં ઘણા કિસ્સા સામે આવ્યા
ગુજરાત રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર વ્યાજખોરો સામે કડક હાથે કામગીરી કરવાના આદેશ આપતા કેશોદમાં એક પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું કે, આજે લોકદરબાર યોજાવાના છે ત્યારે કેટલા વધુ વ્યાજખોર સામે કેટલી ફરિયાદો દાખલ થાય છે અને કંઇ રીતે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ સેટ્ટી વ્યાજખોરો સામે કેવા કડક પગલા ભરશે તે જોવાનું રહ્યું.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરોનો ભોગ બનનાર માટે પોલીસનો લોક દરબાર
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આજે કેશોદમાં લોક દરબાર યોજાશે જેમાં વંથલી તથા માણાવદર તાલુકાનાં તમામ લોકોને વ્યાજખોરોના ભોગ બનનારને સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ કરવામાં આવશે. કેશોદમાં નાયબ પોલીસ અ઼િધક્ષકની કચેરી ખાતે સાંજે 4 વાગ્યે લોક દરબાર યોજાશે. આજ રીતે માંગરોળ પોલીસ દ્વારા આજે સાંજે 5 વાગ્યે ગેરકાયેસર નાણાં ધીરનાર ઇસમો વિરૂઘ્ધ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને અપિલ કરવામાં આવી છે કે, કોઇ પણ જાતનો ડર રાખ્યા વગર વ્યાજખોરોથી પિડીત નાગરીકોએ લોક દરબારમાં હાજર રહેવા પોલીસે અપિલ કરી હતી.