રૂપેણ બંદરના તટે દરરોજ શિવલિંગ પર થાય છે સમુદ્ર નારાયણ દ્વારા જલાભિષેક, શ્રદ્ધાળુઓમાં અખૂટ આસ્થા
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
દ્વારકાથી ઓખા તરફના માર્ગે, રૂપેણ બંદરના દરિયાઈ તટે એક અનોખું અને દિવ્ય શિવ મંદિર સ્થિત છે, જેને લોકો “એકાદશ મહાદેવ” તરીકે ઓળખે છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં એક સાથે અગિયાર શિવલિંગ સ્થાપિત છે. મંદિરમાં મધ્યમાં એક વિશાળ સફેદ શિવલિંગ અને તેના આસપાસ દશ નાની શિવલિંગ હારમાળાની શોભા આપે છે. વધુમાં આ શિવમંદિરની વિશેષતા એ છે કે આ દક્ષિણ મુખી શિવ મંદિર છે
- Advertisement -
વિશિષ્ટ વાત એ છે કે દરરોજ સમુદ્રના ભરતી દરમિયાન આ શિવલિંગ સમુદ્રજળમાં સમાઈ જાય છે અને સ્વયંભૂ જલાભિષેક થાય છે – એવું અલૌકિક દ્રશ્ય છે જે શ્રદ્ધાળુઓને ભક્તિમાં ગરકાવ કરી દે છે. મંદિરમાં નાગદેવતા, ગંગાજી અને પાર્વતી માતાની પણ મૂર્તિઓ દર્શનાર્થીઓને જોવા મળે છે. આ સ્થળ “ભાગીરથી ગંગા” તરીકે પણ ઓળખાય છે, કારણ કે અહીં ગંગાજીની મૂર્તિ સ્થાપિત છે અને કેટલાક લોકો માનતા રાખે છે કે તટનું પાણી ગંગાજી સમાન પવિત્ર છે. માન્યતાઓ અનુસાર આ મંદિરનું પૌરાણિક ઐતિહાસિક મહત્વ છે અને મહાભારતકાળના સંદર્ભો પણ મળતા હોય તેવી લોકવાયકા છે.
મંદિરમાં રખરખાવ અને પૂજા પદ્ધતિ ખૂબ નિયમિત રીતે થતી હોય છે. દર સોમવારે સાંજે યુવા ભક્ત મંડળ દ્વારા સંગીતમય મહા આરતીનું આયોજન થાય છે. શ્રાવણ માસ દરમ્યાન અહીં સતત ભક્તોનું ભાવભીનું જમાવટ રહે છે.
સ્થાનિક પંડિતો દ્વારા અહીં પિતૃકર્મ, તર્પણ તથા ગ્રહદોષ નિવારણ જેવા ધાર્મિક કાર્ય પણ કરવામાં આવે છે. મંદિર દ્વારકાથી નજીક હોવાથી યાત્રાધામની મુલાકાતે જનાર ભક્તો અહીં અવશ્ય દર્શન કરવા આવે છે. દ્વારકાથી ઓખા જવા રસ્તે, બસ સ્ટેન્ડથી માત્ર એક કિમી અંતરે ડાબી બાજુ મંદિરમાં પહોંચવાની સુગમ રીત હોવાથી અહીં પ્રત્યેક ભક્ત માટે શ્રદ્ધાનો આનંદદાયક અનુભવ બને છે.