ગિરનાર જંગલમાં છુપાવેલો રૂા.80.23 લાખનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા તાલુકાના રાજેસર ગામે સોની બંધુને બંધક બનાવી 81.70 લાખની લૂંટના ત્રણ આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી લૂંટના આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. મેંદરડાના રાજેસર ગામે રહેતા સોની જીતેન્દ્રભાઇ લોઢીયા અને તેમના ભાઇ તુલસીદાસને ગત તા.1લી ફેબ્રુઆરીના રોજ લોખંડના કબાટ સાથે બાંધી રિવોલ્વર અને છરીની અણીએ જૂનાગઢનો દિપક અશોક જોગીયા અને બે અજાણ્યા શખ્સોએ સોની બંધુ પાસેથી ચાવી લઇ તિજોરીમાીં સોનાના 8 બિસ્કીટ, 21 કિલો ચાંદી અને 9 લાખ રૂપિયાની રોકડ મળી કુલ 81.70 લાખની માલમત્તાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તેમજ એલસીબી, એસઓજી તથા મેંદરડા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા હતા.
ત્યારે પોલીસને મળેલી બાતમી આધારે ઉપલેટા તાલુકાના ગણોદ ગામે ભાદર નદીના કાંઠે આવેલ માતાજીના મંદિર નજીક છુપાયા હોવાની જાણ થતા પોલીસે દિપક અશોક જોગીયા, દિલીપ ઉર્ફે કોઢીયો રહે.જૂનાગઢ, વિમુલ બટુક રેણુકા બારોટને ઝડપીને તેની પાસેથી નકલી રમકડાની બંદુક તેમજ ગિરનાર જંગલમાં છુપાવેલ રૂા.80.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મેંદરડા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.