કૂખ્યાત બૂટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશ અને તેના મિત્રોએ નશાની હાલતમાં લોકોને ગાળો ભાંડી સોડા-બાટલીના ઘા કર્યા
ટોળકી મોડી રાત્રે લોકો પર રૌફ જમાવતી હોવાની અનેક ફરિયાદ છતા પોલીસ માત્ર તમાશો જોઇ રહી છે
- Advertisement -
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની રાજકોટમાં હાજરી છતાં લૂખ્ખા તત્વો બેફામ
ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ગુરુવારે મોડી રાત્રીએ સિનર્જી હોસ્પિટલ પાસે બનાવ બન્યો
ધમાલ કરનાર ટોળકીએ અયોધ્યા ચોક અને સિનર્જી રોડ વિસ્તારને બાનમાં લીધો
છરીના ઘા ઝીંક્યા બાદ વધુ બે સ્થળે સોડા- બાટલીના ઘા કર્યાનો લોકોનો આક્ષેપ
15 દિવસ પૂર્વે એક શખ્સને છરીના ઘા ઝીક્યા હતા : અનેક લોકો આ ટોળકીના ભોગ બન્યા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે છે ત્યારે તેમની હાજરી છતાં લૂખા તત્વો બેફામ બન્યા છે. રાજકોટમાં જાણે ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ગુરુવારે મોડી રાત્રે અયોધ્યા ચોક પાસે આવેલી સિનર્જી હોસ્પિટલ પાસે પાનની દુકાને કૂખ્યાત બૂટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશ અને તેના મિત્રોએ નશાની હાલતમાં લોકોને ગાળો ભાંડી સોડા-બાટલીના ઘા કર્યા હતા. તેમજ આ ટોળકીએ ધમાલ મચાવતા ત્યાં ઉભેલા સિધ્ધાર્થ ડાંગર નામના યુવાને ગાળો બોલવાની ના કહેતા પહેલા લાફો મારી બાદ છરીના ઘા ઝીંક્યા હતા. બનાવના પગલે લોકો એકઠા થઇ જતા ધમાલ ટોળકી ત્યાંથી નાસી ગઇ હતી. આ વિસ્તારમાં આ ટોળકી રોજ મોડી રાત્રે આવી ધમાલ કરતી હોવાનો આસપાસના લોકોએ આક્ષેપ કર્યો છે. તેમજ છરીના ઘા ઝીંકી અન્ય બે સ્થળે જઇ સોડા બાટલીના ઘા ઝીંક્યાની પણ ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા મુજબ બે દિવસ પૂર્વે રામાપીર ચોકડીએ પોલીસ વાનની હાજરીમાં જ સોડા બોટલના ઘા કર્યા હતા
રાજકોટના અયોધ્યા ચોક પાસે સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા અને મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે કારખાનું ધરાવતા સિધ્ધાર્થ મુકેશભાઇ ડાંગર (ઉ.વ.19)એ કુખ્યાત બુટલેગર હર્ષદ માંડલીયાના પુત્ર જેનીશ અને અન્ય ત્રણ અજાણ્યા શખસ સામે યુનીવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હત કે રાત્રીના હૂં તથા મારા મિત્રો ચા-નાસ્તાની દુકાન પર બેઠા હોઇએ છીએ ત્યારે ગુરવારે રાત્રીના હું અને મારા મિત્રો યશરાજ પરમાર, રૂદ્ર માંડવીયા, મયંક પાણખાણીયા અને જૈનિસ સાથે સિનર્જી હોસ્પિટલ પાસે ચા-નાસ્તાની દુકાન પર બેઠા હતા ત્યારે અગાઉ અમારી સોસાયટીમા રહેતો જૈનિસ હર્ષદભાઈ માંડલીયા તથા તેની સાથે ત્રણેક અજાણ્યા માણસો બે એક્ટીવા પર ત્યા આવ્યા અને દુકાન સામે એક્ટીવા રાખીને મારા મિત્ર યશરાજ પરમારને ગાળાગાળી કરવા લાગેલ જેથી હુ વચ્ચે પડતા મને પણ આ લોકોએ ગાળો દીધી હતી અને જૈનીશ માંડલીયાએ મને એક લાફો મારી દીધો હતો જેથી મે ઝગડો કરવાની ના પાડતા તેની સાથે એક્ટીવા ઉપર આવેલ અજાણ્યા વ્યક્તિએ ઉશ્કેરાઇને તેની પાસેની છરી કાઢી ખભા ઉપર છરીનો એક ઘા મારી દીધો હતો દેકારો થતા ચારેય ભાગી ગયા હતા મને લોહી નિકળતુ હોય જેથી મને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.