પહેલો મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
વુમન્સ પ્રીમિયર લીગની ત્રીજી સીઝનની શરૂઆત આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સની વચ્ચેની મેચથી શરૂ થશે. આ બે સિવાય, દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઈન્ડીયન્સ અને યુપી વોરિયર્સ ટ્રોફી માટે એક પડકાર આપશે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં ચેલેન્જર્સની આશા શોભના ઘાયલ થઈ છે. નુઝહત પરવીનને તેની જગ્યાએ ટીમમાં શામેલ કરવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સની પૂજા વસ્ત્રાકર પણ ઘાયલ થઈ છે જેની જગ્યાએ સ્પિનર પારુણિકા સિસોદિયાને ટીમમાં સામેલ કરવામાં આવી છે. લીગની આ સીઝન વિશેષ છે કારણ કે પ્રથમ વખત ટુર્નામેન્ટ કોઈ એક શહેરમાં રમવાને બદલે ચાર શહેરોમાં રમવામાં આવશે. આ ટુર્નામેન્ટ વડોદરા, બેંગલુરુ, લખનૌ અને મુંબઇમાં યોજવામાં આવી છે. પ્રથમ મેચ વડોદરામાં યોજાશે. જ્યારે મુંબઇમાં ફાઇનલ રમવામાં આવશે. પ્રથમ તબક્કામાં, બધી ટીમો એકબીજા સામે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં બે મેચો રમશે. રાઉન્ડ રોબિન પછી, પોઇન્ટ ટેબલમાં ટોચ પરની ટીમ ફાઇનલમાં પહોંચશે. બીજા અને ત્રીજા સ્થાન પરની ટીમો એલિમિનેટર મેચમાં ફાઇનલમાં બીજા સ્થાન માટે ટકરાશે.