– 6 દિવસમાં 17 લાખથી વધુ વેચાણથી ઘરેલુ ગૃહ ઉદ્યોગને મળી પ્રગતિ
રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ‘‘રસસંગ લોકમેળા’’માં છ દિવસમાં લાખો લોકોએ પરિવારો-સ્વજનો સાથે આનંદ માણ્યો છે. આ મેળામાં અનેક વેપારીઓએ રોજગારી મેળવી. રાજ્યની મહિલા કારીગરોને રોજગારી મળે તે માટે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા રાજકોટના રસસંગ મેળામાં 30 સ્ટોલ ફાળવાયા હતા, જેમાં મહિલાઓએ પોતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરીને તેમના હુન્નર થકી સારી એવી કમાણી કરી છે.
- Advertisement -
મેળામાં મળેલા પ્રતિસાદ અંગે તેઓએ ખુશી સાથે તેમના અનુભવ જણાવ્યા હતા. હાથ બનાવટની જ્વેલરીનું વેચાણ કરતા સૌથી નાની વયના ઉદ્યોગ સાહસિક બહેનો હેતલબેન માવાણી અને સાઈરાબેન સોરા કહે છે કે, અમારૂ ઘર હાથ બનાવટની જ્વેલરીના વેચાણ કરવાથી જ ચાલે છે. આર્થિક રીતે પગભર થઈને પરિવારને મદદરૂપ થઈએ છીએ. પ્રથમવાર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમમાં અમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું અને અમને સ્ટોલ મળી ગયો. અમે બ્રેસલેટ, એન્કલેટ, નેકલેસ બનાવીએ છીએ. નવરાત્રી માટેનું સ્પેશિયલ કલેક્શન પણ ગ્રાહકોની માંગ મુજબ બનાવી આપીએ છીએ સાથોસાથ વોટ્સએપ સ્ટેટસમાં પ્રોડક્ટનો ફોટો અપલોડ કરીએ છીએ. જેનાથી અમને મહત્તમ ઓર્ડર મળે છે. ઘર-ઘરાઉ વેચાણ કરવાથી અમે અંદાજીત 10,000 થી રૂ 12,000 નું વેચાણ કરી શકીએ છીએ.પરંતુ મેળામાં સ્ટોલ મળતાં અંદાજીત રૂ 30,000 થી વધુ રકમનું વેચાણ અમે કર્યું છે.. જેની અમને ખૂબ ખુશી છે. આ આ માટે મહિલા આર્થિક વિકાસ નિગમ અને રસરંગ લોકમેળા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનીએ તેટલો ઓછો છે.
આ મેળામાં અમદાવાદના રહેવાસી ‘‘જાદુવાળા બેન’’થી ઓળખાતા હર્ષીદાબેન પટેલે જણાવ્યું હતું કે, મેં રોડ સાઈડ મદારીની કલા જાળવી રાખી છે. 25 વર્ષથી જાદુની કલા બતાવવાનું અને બાળકોને તેના થકી જાગૃત કરવાનું કામ કરૂ છું મહિલા આર્થિક વિકાસ નિગમે અમારી સાથે કામ કરતા અનેક બહેનો-દીકરીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. મહિલા આર્થિક વિકાસ નિગમની મદદથી ફિઝી, રશિયા, દુબઇ, મલેશિયામાં આપણા દેશની જાદુની કલા પ્રદર્શિત કરવાનો અવસર મળ્યો છે. પ્રતિવર્ષ અમે રાજકોટના લોકમેળામાં આવીએ છીએ, આ વખતે અમે અંદાજીત રૂ 2,00,000 જેટલું વેચાણ કર્યું છે. આ માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખૂબ- ખૂબ આભાર કે આવા મેળાઓ થકી અમારા જેવી અનેક બહેનોને અને તેમના પરિવારને રોજગારી મળી રહે છે.
આ તકે મહિલા આર્થિક વિકાસ નિગમના નિતેષભાઈએ જણાવ્યું હતું કે, મહિલા આર્થિક વિકાસ નિગમ મહિલા ઉદ્યમીઓ-કર્મયોગીને તેમના વિકાસ માટે પ્લેટફોર્મ પુરૂ પાડે છે. આ વર્ષે નિગમને રાજકોટના લોકમેળા માટે કૂલ 130 થી વધુ ઓનલાઈન અરજીઓ આવી હતી. તેમાંથી સંપૂર્ણ પારદર્શી રીતે કૂલ 30 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. આ સ્ટોલની બહેનોએ કૂલ 17,31,000 થી વધુ રકમનું વેચાણ કર્યુ છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનિય છે કે, રસરંગ લોકમેળામાં સ્ટોલ મળવાથી નિગમની બહેનો ખુબ જ ઉત્સાહિત છે. બહેનો દ્રારા તા. 05 ના રોજ રૂ. 2,49,100 નું વેચાણ, તા. 06 ના રોજ રૂ. 3,94,000 નું વેચાણ, તા. 07 ના રોજ રૂ. 3,49,870 નું વેચાણ, તા. 08 ના રોજ રૂ. 4,15,650 નું વેચાણ, તા. 09 ના રોજ રૂ. 3,22,510 નું વેચાણ કરવામાં આવ્યું છે. આટલા જંગી વેચાણ બદલ મહિલા આર્થિક વિકાસ નિગમની બહેનોએ રાજકોટના જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કરીને આવતા વર્ષે લોકમેળામાં વધુ જગ્યા ફાળવવા અપીલ કરી હતી.