ટ્રકમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવતા સીઝ : શંકાસ્પદ 19 ટન ચોખાનો જથ્થો ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.17
ગીર સોમનાથ જીલ્લામાં સરકારી અનાજની હેરફેરનું કૌભાંડ તંત્રની કાર્યવાહી બાદ પણ અટકતું ન હોવાની ચર્ચાઓ વચ્ચે આજે સાંજે વેરાવળમાં હાઈવે ઉપરથી અનાજનો જથ્થો ભરી એક ટ્રકમાં જઈ રહેલ ત્યારે બાતમીના આધારે તંત્રએ રોકાવી તપાસ કરતા ટ્રકમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવતા સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર આજે સાંજે જીલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાને મળેલ માહિતીના આધારે તેમની સુચનાથી પ્રાંત અધિકારી વિનોદ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદાર એ.જી. ગજ્જરની ટીમ દ્વારા વેરાવળ હાઇવે પર ડારી ઓવરબ્રીજ પાસે ટ્રક નં. જીજે 12 એ ઝેડ 6543 ને રોકાવી તેમાં તપાસ કરતા આકાશ ટ્રેડિંગ કંપનીનો ચોખાનો અનાજનો જથ્થો મળી આવેલ હતો.
- Advertisement -
જે શંકાસ્પદ જણાતા ગણતરી હાથ ધરતા ટ્રકમાંથી 380 કટ્ટા ચોખા જેનો વજન 19,240 કિલો કિં.રૂ.5 લાખ તથા ટ્રક મળી કુલ રૂ.15 લાખનો મુદ્દામાલ સીઝ કરી ગોડાઉન મેનેજર વેરાવળને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ જથ્થો સરકારી છે કે કેમ તેની વિગતો તપાસ પુર્ણ થયા બાદ જાહેર થશે. આજની કાર્યવાહીમાં તંત્રએ સીઝ કરેલ હજારો કિલ્લો ચોખાનો જથ્થો તાજેતરમાં પર્દાફાશ થયેલ સરકારી અનાજની હેરાફેરીના કૌભાંડમાં પોલીસ ચોપડે ચડેલ કુખ્યાત શખ્સનો જ હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે આ મામલે તંત્ર તટસ્થ તપાસ કરી જવાબદારોને બેનકાબ કરી દાખલારૂપ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યુ.