અકસ્માત નોતરતો ખાડો !
વઢવાણની સિદ્ધિનગર સોસાયટીમાં મુખ્ય રોડ પર પાણી લીકેજ થતું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં પાણીની લાઈન સહિતના કામો માટે વારંવાર રસ્તાઓનું ખોદકામ કરવામાં આવે છે. જેના કારણે શહેરીજનો, રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરની સિધ્ધિનગર સોસાયટીના મુખ્ય રોડ પર પાણી લીકેજ બંધ કરવા માટે ખાડો તો ખોદ્યો પણ એક અઠવાડીયું છતાં રિપેર કરવાનો તંત્ર પાસે સમય ન હોય તેવો ઘાટ સર્જાયો છે.
વઢવાણ શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં સિધ્ધિનગર સોસાયટીમાં મુખ્ય રોડ પર પાણી માટે નવી લાઇન નાખવામાં આવેલી છે. જ્યાં લીકેજના કારણે અગાઉ પણ 2 વખત રિપેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં પાણીનું લીકેજ બંધ થતું નથી. છેલ્લા એક સપ્તાહથી આ લીકેજ લાઇનને રિપેર કરવા ખાડો ખોદીને રાખેલો છે. પરંતુ તંત્રને આ લીકેજ રિપેર કરવાનો સમય ના હોય એમ એક સપ્તાહથી આ ખાડો આમ જ ખુલ્લો રાખવામાં આવેલો હોવાની રાવ ઊઠી છે. હજુ રિપેર કરવામાં ન આવતા કોઈનો અકસ્માત થવાનો ઘાટ સર્જાયો છે. ગણપતિ મંદિર જવાનો આ મુખ્ય રસ્તો છે. ત્યારે મંગળવારે આ રસ્તા પરથી અનેક લોકો પસાર થાય છે. જેઓના જીવને મુશ્કેલી હોય ઝડપથી આ લાઇન રિપેર કરી ખાડો બુરી દેવા લોકોમાં માગ ઊઠી હતી.