ખરા તડકામાં સાઈકલો ઢસડીને જવું પડ્યું પંચરની દુકાને: સરકારી યોજનાની ગુણવત્તા પર સવાલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
ગુજરાત સરકારની વિદ્યાર્થિનીઓને મફત સાઈકલ આપવાની યોજના અંતર્ગત લખતરની સરકારી શાળામાં યોજાયેલા વિતરણ કાર્યક્રમમાં ભારે બેદરકારી સામે આવી છે. રેલવે સ્ટેશન રોડ પર આવેલી મોડેલ શાળામાં તા. 14 ઓક્ટોબરના રોજ વિદ્યાર્થિનીઓને સાઈકલનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વિતરણ કરાયેલી સાઈકલોના ટાયરમાં હવા ન હોવાના બનાવો સામે આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ટાયરમાં હવા ન હોવાથી વિદ્યાર્થિનીઓએ ખરા તડકામાં સાઈકલો ઢસડીને પંચરની દુકાન સુધી લઈ જવી પડી હતી. મફતમાં સાઈકલ મળ્યા બાદ પણ હવા ભરાવવાના રૂપિયા ચૂકવવા પડ્યા હોવાની વિગતો જાણવા મળી છે. આ સમગ્ર ઘટનાને કારણે સરકારી યોજનાની ગુણવત્તા અને અમલવારી સામે સવાલો ઊભા થયા છે.
આ અંગે અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ નિરીક્ષક દેવેન્દ્રભાઈ દજુલેરાનો સંપર્ક સાધતા તેમણે સ્વીકાર્યું હતું કે, લખતર તાલુકામાં કુલ 82 સાઈકલ મંજૂર થઈ હતી, જેમાંથી 73 સાઈકલનું વિતરણ કરાયું છે. તેમણે જણાવ્યું કે, એજન્સી દ્વારા જે હાલતમાં સાઈકલ મળી, તેનું અમે વિતરણ કર્યું છે.
વિતરણ પહેલાં યોગ્ય ચકાસણી ન કરવી અને નવી સાઈકલમાં જ હવા ન હોવી એ ગુણવત્તા પ્રત્યેના બેદરકાર વલણને દર્શાવે છે. લોકોમાં માંગ ઊઠી છે કે સપ્લાય કરનાર એજન્સી સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી આવી કામગીરીના કારણે સરકારની યોજનાનું નામ ખરાબ ન થાય.