જેતપૂરની કોલેજમાં અભ્યાસ કરતી કોમલ સાવલિયા પરિવારની લાડકી દીકરી હતી. ચાર સંતાનો પૈકી કોમલ સૌથી નાની હતી આથી ખૂબ લાડલોડમાં ઉછરેલી. કોલેજે જતી છોકરીઓ એના ભાવિ ભરથાર અંગે કલ્પનાઓ કરીને જુદા જુદા રંગીન સપનાઓ જોતી હોય એ સ્વાભાવિક છે. કોમલ પણ એનો સાંવરિયો કેવો હશે એની વાતો બહેનપણીઓ સાથે કરતી હતી. કોમલને એના સપનાનો રાજકુમાર અવશ્ય મળશે એવી બધી બહેનપણીઓને ખાતરી હતી કારણ કે કોમલ રાજાની કુંવરી જેવી સ્વરૂપવાન યુવતી હતી.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
બે વર્ષ પહેલા પરિવારમાં એક દુર્ઘટના બની. કોમલના પિતા ચંદુભાઈનું અવસાન થયું અને પરિવારનું છત્ર છીનવાઇ ગયું. પરિવારે દુ:ખને દાબીને જીવનયાત્રા આગળ ચલાવી ત્યાં કુદરતે આ પરિવાર પર બીજો પ્રહાર કર્યો. ચંદુભાઈની સૌથી મોટી દીકરી અવનીના લગ્ન જામનગરના ભાવેશ સાથે કરેલા. સુખી દાંપત્યજીવનના ફળરૂપે અવની અને ભાવેશને ત્યાં દીકરા સ્મિતનો જન્મ થયો. એક દિવસ સ્મિત એની મમ્મી અવનીબહેન અને મામા હિતેશભાઈ સાથે નવાગઢ મામાના ઘરે આવી રહ્યો હતો. નવાગઢ પાસે જ અકસ્માત થયો. અકસ્માતમાં અવનીબહેનનું અવસાન થયું. સ્મિત મા વગરનો થઈ ગયો અને તેનો જમણો હાથ પણ કપાઇ ગયો.
- Advertisement -
પરિવાર પર જાણે કે વજ્રઘાત થયો. હવે શું કરવું એની કોઈને કંઇ ખબર પડતી નહોતી. સ્મિતને પિતા ભાવેશભાઈ ખૂબ પ્રેમ કરતા હતા પણ હવે માતાનો પ્રેમ ક્યાંથી લાવવો ? ભાવેશભાઈની ઉંમર જોતા એમના બીજા લગ્ન થાય તો કદાચ શક્ય છે કે નવી મા બાળકની યોગ્ય કાળજી ન લઇ શકે. આવા સંજોગોમાં પરિવારની લાડકી દીકરી કોમલે જે નિર્ણય કર્યો એ બધાનું હૃદય વલોવી નાંખે એવો હતો. કોમલે પરિવારના સભ્યોને કહ્યું, ‘હું સ્મિતની માસી છું અને સ્મિતને ખૂબ ચાહુ છું. હું માસી મટીને એની મા બની જાવ તો સ્મિતને પરિવારનો જ પ્રેમ અને હૂંફ મળી રહે.’ દીકરીના આ સમર્પણની વાતથી પરિવારના પ્રત્યેક સભ્યોની આંખો ભીની થઈ ગઇ. કોઈએ કહ્યું પણ ખરું કે બેટા, તારા પોતાના પણ સપના હોય, અરમાનો હોય. છોકરીએ બધાને હિંમત આપતા કહ્યું, ‘મારા પરિવાર કરતા મારા સપનાઓ મોટા નથી. તમે કોઈ એવું નહીં સમજતા કે હું હજુ નાની છું કે અપરિપક્વ છું એટલે મને ભવિષ્યની કંઇ ખબર પડતી નથી. મને આ લગ્ન પછી પણ મારું સોનેરી ભવિષ્ય દેખાય જ છે. હું મારા દીકરાને ખૂબ પ્રેમ આપીશ. હું ક્યારેય એની ખામીઓ સામે નહીં જોઉ, એની ખૂબીઓ સામે જ જોઇશ. મને મારા જીજાજી પર પણ પૂરો વિશ્વાસ છે કે એ મારી દીદીને જે પ્રેમ આપતા એ જ પ્રેમ પત્ની તરીકે મને પણ મળી રહેશે. હા, અમારી ઉંમર વચ્ચે ઘણો તફાવત છે પણ એ તો શિવ અને પાર્વતીની ઉંમર વચ્ચે પણ હતો. એટલે તમે બીજી કોઈ ચિંતા ન કરો.’
પરિવારના તમામ સભ્યોએ કોમલના આ નિર્ણયને સહર્ષ વધાવ્યો. અગ્નિ અને બ્રાહ્મણની હાજરીમાં તો લગ્ન થતા જ હોય પણ આ તો દીકરાની હાજરીમાં લગ્ન થયા. આજની નવયુવાન દીકરીઓ લગ્ન પહેલા કે લગ્ન પછી થોડુંઘણું પણ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થતી નથી એમના માટે કોમલ એક પ્રેરણા છે. કોમલ જેવો ત્યાગ ન કરી શકીએ તો કંઇ નહીં કમસેકમ થોડું જતું કરીને પરિવારને તો સાચવી લઈએ.