620 પેટી વિદેશી દારૂ સહીત 42 લાખનો મુદામાલ જપ્ત, બે શખ્સોના નામ ખુલ્યા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેર અને જીલ્લામાં બેફામ દારૂની રેલમછેલ વચ્ચે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને સ્ટેટ વિજીલન્સ ટીમે મોરબીના રાજપર રોડ પર દરોડો પાડ્યો હતો જ્યાં એક ગોડાઉનમાં દારૂ ભરેલા ટ્રકમાંથી કટિંગ થાય તે પહેલા જ વિજિલન્સ ટીમે ત્રાટકી હતી અને વિદેશી દારૂની 620 પેટી સહીત કુલ રૂપિયા 42 લાખનો મુદામાલ જપ્ત કરીને ટ્રકચાલકની ધરપકડ કરી હતી જોકે દારૂના આ વેપલામાં બે શખ્સોના નામ પણ ખુલ્યા છે. મોરબીના રાજપર રોડ પર આવેલ ગોડાઉનમાં એક ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો આવવાનો હોવાની બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સ ટીમે રાજપર રોડ પર રામદેવપીરના મંદિર સામેની શેરીમાં આશીર્વાદ ઈમ્પેક્ષ નામના કારખાના પાસે આવેલ બંધ મકાન જેવા દેખાતા ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો જ્યાં ગોડાઉનમાં દારૂ ભરેલો ટ્રક રાખવામાં આવ્યો હતો જે ટ્રકને તલાસી લેવામાં આવતા ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 620 પેટી (અંદાજીત કિં. રૂ. 32 લાખ) મળી આવી હતી.
- Advertisement -
જેથી વિજિલન્સ ટીમે ટ્રકચાલક ચુનારામ મોટારામ ગોડારા જાટ (રહે. રાવતસ2, પ્રેમસાગર, તા. જી. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરીને વિદેશી દારૂ અને ટ્રક (કિં.રૂ. 10 લાખ) મળી કુલ રૂ. 42 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. ટ્રકચાલકની પૂછપરછ દરમિયાન દારૂનો આ જથ્થો ડેનિશ કાંતિલાલ મારવણીયા (રહે. રાજપર, મોરબી) અને મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા (રહે. મૂળ ભીમકટા, હાલ શકત શનાળા, મોરબી) એ મંગાવ્યો હોવાનું તેમજ આ દારૂ રફાળેશ્વર રોડે થઈને ટ્રકમાં રાજપર સુધી પહોંચ્યો હોવાનું ખુલ્યું હતું જેથી હાલમાં પોલીસે ગુન્હો નોંધવા તેમજ બંને શખ્સોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.