શહેરમાં રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ સહિતના કામો માટે ઉપયોગી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
- Advertisement -
ગુજરાતના શહેરોને આધુનિક અને સુવિધાજનક બનાવવાના મંત્ર સાથે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓ અને પાલિકાઓ માટે વિકાસના દ્વાર ખોલવામાં આવ્યા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત એક ભવ્ય સમારોહમાં જૂનાગઢ મહાનગરપાલિકાને વિકાસલક્ષી કાર્યો માટે રૂ. 45 કરોડની માતબાર રકમની ફાળવણી કરવામાં આવી છે.
અમદાવાદ ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કુલ રૂ. 2800 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ યોજના અંતર્ગત જૂનાગઢ શહેરના આંતરમાળખાકીય વિકાસ માટે રૂ. 45 કરોડનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં મેયર ધર્મેશ ડી. પોંશીયા, કમિશનર તેજસ પરમાર, ડે. મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર સહીત જૂનાગઢ મહાનગરપાલિકાના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓનું પ્રતિનિધિમંડળ હાજર રહ્યું હતું, આ ફાળવવામાં આવેલી રૂ. 45 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ જૂનાગઢ શહેરમાં રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને અન્ય જનસુખાકારીના પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે. આ માતબાર રકમ મળવાથી શહેરના અટકેલા કે નવા આયોજિત વિકાસ કામોને ગતિ મળશે.



