મોટાભાગનાં લોકો માટે વાસ્તુ એટલે જે પોતે જાણે છે એ જ બધું ! અધકચરું જ્ઞાન ફાયદાને બદલે નુક્સાન કરે
સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
– રાજેશ ભટ્ટ
થોડાં દિવસ પહેલાંની વાત છે. એક પ્રસંગમાં એક બહુ મોટા ઉદ્યોગપતિ સાથે મુલાકાત થઈ. વાતચીત કરતાં-કરતાં તેમને ખ્યાલ આવ્યો કે હું વાસ્તુ પ્રેક્ટિસ કરું છું એટલે તેઓએ મને એક સરસ મજાનો પ્રશ્ર્ન કર્યો કે પહેલાં હું એક દક્ષિણાભિમુખ ઘરમાં રહેતો હતો અને ત્યાં બધું સરસ ચાલતું હતું ત્યારબાદ અલગ-અલગ વેબસાઈટ અને ન્યુઝ પેપર વાંચતા ખ્યાલ આવ્યો કે વાસ્તુમાં પૂર્વ કે ઉત્તર દિશાનું ઘર વધારે સારું એટલે એક ઉત્તર દિશાના ઘરમાં રહેવા ગયો. ત્યાં રહેવા ગયા પછી તકલીફ તો કોઈ નથી પરંતુ મને એવું લાગે છે કે દક્ષિણ દિશાનું ઘર મારા માટે વધારે સારું હતું.
પ્રશ્ર્ન તેમનો યોગ્ય હતો, અને આવા પ્રશ્ર્નો અમો ઘણાં લોકો પાસેથી સાંભળતાં હોઈએ છીએ, વાસ્તુની અંદર આજે સૌથી મોટી સમસ્યા એ છે કે મોટાભાગના લોકો પોતે સમજી શકે તેટલું જ વાસ્તુ માને છે. જેમ કે ઈશાનમાં મંદિર કે અગ્નિમાં રસોડું બનાવવાથી કે પછી નૈઋત્ય ખૂણામાં માસ્ટર બેડરૂમ રાખવાથી અથવા તો નૈઋત્ય ખૂણામાં તિજોરી મૂકવાથી વાસ્તુ થઈ ગયું, તેવી તેઓની માન્યતા હોય છે. જ્યારે વાસ્તવિકતા ઘણી અલગ હોય છે. ઘણાં લોકો વળી એવી પણ માન્યતા ધરાવે છે કે દક્ષિણમુખી મકાન છોડી અને કોઈ પણ દિશાનું મકાન લઈ લો તેની અંદરની ગોઠવણી જોવાની જરૂર નથી અને આવા અડધા અધૂરા વાસ્તુના નિયમો અનુસરવાના કારણે પૂરા પરિણામો મળતાં નથી હોતા અને અંતે વિષયને ભાંડતા હોય તેવા ઘણાં લોકોને પણ મેં જોયા કે સાંભળ્યા છે.
- Advertisement -
આ પ્રશ્ર્નના અનુસંધાનમાં આપણે ત્રણ-ચાર બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ.
- પૂર્વ કે ઉત્તર દિશાવાળા ઘરની દિશા સાચી છે એટલે વાસ્તુ બરાબર થઈ ગયું તે માનવું ભૂલભરેલું છે. (ઘરની અંદરની ગોઠવણી પણ વાસ્તુ મુજબ કરવી પડે.)
- પશ્ર્ચિમ કે દક્ષિણ દિશાવાળા ઘરમાં પણ અંદરની ગોઠવણી જેવી કે એન્ટ્રી, કિચન, બેડરૂમ, ટોયલેટ, સીડી સાચી દિશામાં ગોઠવી પરિણામ મેળવી શકાય છે.
- જમીન નીચેથી આવતી ઊર્જાને બિલકુલ અવગણી શકાય નહીં. ઘણી ભૂમિ દોષવાળી જગ્યાનો પ્રભાવ ખૂબ જ નકારાત્મક અસર આપતો હોય છે. ઘરના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ પરિણામ આપવામાં ખૂબ જ અસરકર્તા છે. તમારા નક્ષત્રને અનુરૂપ માપ સાઈઝને વાસ્તુના સારા પરિણામ મેળવવા માટે અનુસરવું જ પડે.
આજકાલ એક બીજી ફેશન ચાલી છે. લોકોને એવું કહેતાં સાંભળ્યા હોય છે કે મેં એ પ્લોટમાં પગ મૂક્યો અને મને સારું લાગ્યું એટલે મેં એ જગ્યા ખરીદી લીધી, (ત્યારે તો દરેક સામાન્ય વ્યક્તિ પણ જગ્યાની ઊર્જા સમજવાનો નિષ્ણાંત થઈ ગયો તેમ સમજવું રહ્યું) અરે ભાઈ, આપણે સામાન્ય તાવ-શરદીમાં પણ જો એમ.ડી. લેવલના ડોકટરની સલાહ માટે દોડતા હોઈએ છીએ જ્યારે ઘર તો માણસ જીવનમાં કદાચ બે કે ત્રણ વખત જ બદલે તો લેતાં પહેલાં નિષ્ણાંતની સલાહ લેવાને બદલે જાતે જ નિર્ણય કરવો કેટલો યોગ્ય છે?
પહેલાંના સમયમાં લોકો જગ્યાની ખરીદી પહેલાં સાધુ-સંતોના પગલાં જમીન પર કરાવતાં. કેમકે સાધુ-સંતો પોતાના તપ-બળને આધારે જમીનની ઊર્જા જોઈ શકતાં. આજે તો હવે વાસ્તુ નિષ્ણાત પાસે ઘણા ઉપકરણો, સાધનો, મશીન આવી ગયા છે જેના આધારે તે જગ્યાની પોઝિટિવિટી અને તે લેન્ડ સાથે માલિકની પણ લેણ-દેણ કેવી છે તેનો પૂરો રિપોર્ટ કાઢી શકશે.
જમીનના પ્રભાવ વિશે ઘણા ઉદાહરણો આપણે રામાયણ અને મહાભારત કાળમાં પણ જોવા મળે છે. અંધ માતા-પિતાને કાવડમાં લઈ જઈને સેવા કરવાવાળા શ્રવણની વાતો તો આપણે બધાએ સાંભળી જ હોય. ફરતાં-ફરતાં જ્યારે તે અસૂર ભૂમિમાં આવે છે ત્યારે તેના વિચાર બદલાઈ જાય છે અને માતા-પિતાને ન કહેવાના શબ્દો કહે છે. વૃદ્ધા માતા-પિતા સમજી જાય છે અને તેને પોતાની સાથે લાવેલી તીર્થભૂમિની માટી પર ઉભા રહેવાનું કહે છે. પવિત્ર માટી પર ઉભા રહેતાં જ શ્રવણને પોતાની ભૂલની ખબર પડે છે અને તેના સાત્ત્વિક વિચારો ફરી જાગૃત થાય છે અને માતા-પિતાને લઈને આગળ જાત્રા કરવા નીકળી જાય છે.
- Advertisement -
જરા વિચારો તીર્થભૂમિની ચાર મુઠી માટી જો માણસના વિચારો શુદ્ધ કરી શકતી હોય, તો આપણે જે જગ્યા પર રહેવાના છીએ તે હજાર કે બે હજાર ફૂટના પ્લોટની ઊર્જાનો પ્રભાવ આપણા પર કેટલો બધો થતો હશે? આવું જ એક બીજું ઉદાહરણ મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ પહેલાં યુદ્ધભૂમિ માટે તામસી ભૂમિની પસંદગી કરે છે, જેથી કરીને યોદ્ધાઓ પોતાનાં સગા-સ્નેહીઓ અને કુટુંબીજનોને જોઈ લાગણીશીલ થઈ શસ્ત્રો નીચે ન મૂકી દેતા તામસી ભૂમિના પ્રભાવને લઈને યુદ્ધ લડ્યા કરે. પ્રાચીનકાળના તો આવા અનેક ઉદાહરણો આપણે કથા અને પુરાણોમાં વાંચી શકીએ છીએ.
પરંતુ વાત આપણે પ્રવર્તમાન સમયની કરવાની છે. ઘણાં ઔદ્યોગિક વિસ્તારોમાં મેં અનુભવ્યું છે કે કોઈ ચોક્કસ સ્ટ્રીટમાં (શેરી) કોઈપણ પ્રકારના વ્યવસાય ઠીકથી ચાલતા હોતા નથી. કોઈને આર્થિક સમસ્યા, તો કોઈને કામદારોની સમસ્યા, તો કોઈને ઓર્ડર બુકના પ્રશ્ર્નો સતત આવ્યા કરતાં હોય છે અને આવા કિસ્સાઓમાં જમીનની નીચેનો પ્રભાવ એટલો બધો વધારે હોય છે કે જ્યાં સુધી તે નકારાત્મક ઊર્જાને ઠીક કરવામાં ન આવે ત્યાં સુધી વાસ્તુના સામાન્ય ફેરફાર કોઈ મોટો લાભ આપતાં હોતા નથી.
રહેણાંક વિસ્તારોમાં પણ ભૂમિ દોષનો પ્રભાવ ઘણો રહેતો હોય છે. ઘણાં શહેરોમાં મેં જોયું છે કે કોઈ ચોક્કસ રહેણાંક વિસ્તારની કોઈક સ્ટ્રીટમાં કે ગલીમાં કોઈ કોમન પ્રકારની શારીરિક કે સામાજિક પ્રકારની સમસ્યાઓ એકાદ-બે ઘર છોડીને લગભગ બધા જ ઘરોમાં જોવા મળતી હોય છે જેના મૂળમાં જમીનની ઊર્જા જ હોય છે. આવા સંજોગોમાં નિષ્ણાતોને જગ્યા ખરીદતા પહેલાં બતાવી યોગ્ય રહેશે કેમ કે સામાન્ય માણસ નિષ્ણાતોના દ્રષ્ટિકોણથી એ જગ્યાની ઊર્જા આપી શકશે નહીં.