નરસિંહ મહેતા યુનિ.ખાતે સંસ્કૃત વિશેષજ્ઞોના વ્યાખ્યાનમાળા યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સંસ્કૃત ભવનનાં અધ્યક્ષ ડો. નિશીથ ધારૈયાનાં માર્ગદર્શનમાં સંસ્કૃત વિશેષજ્ઞોના વ્યાખ્યાન સમયાંતરે યોજવામાં આવતા હોય છે જે અંતર્ગત આધુનિક સમયમાં સંસ્કૃતભાષા સંબંધિત વ્યવસાયના અવસરો તથા મૃચ્છકટિકમ્ નો સંક્ષિપ્ત પરિચય વિષયે શ્રીલાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દિલ્હીથી સાંખ્યયોગ વિભાગના અધ્યક્ષ પ્રો.માર્કન્ડેય નાથ તિવારીજી દ્વારા વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ વિદ્યાર્થીઓને સંસ્કૃતના મહત્ત્વની સાથે આજના સમયમાં સંસ્કૃતભાષાની વ્યવસાયિક ઉપયોગીતા વિશે વિશેષ જાણકારી આપતાં જણાવ્યું કે યોગના અષ્ટ અંગોમાંથી એક માત્ર આસનને આધારે આજે પતંજલી યોગ ક્ષેત્રે બાબારામદે વિશ્વમાં સુવિખ્યાત થયા છે. આવું તો સંસ્કૃતમાં ઘણું બધું છે. સંસ્કૃત ભાષાની શિક્ષણની સાથે સાથે વાસ્તુવિજ્ઞાન, ચિત્રકળા, વિવિધ ગ્રંથોને આધારે શબ્દકોશ નિર્માણ, 36 કળાઓ, ભાષા વિજ્ઞાન, લેખનકળા, ભરતના નાટ્યશાસ્ત્રને આધારે ફિલ્મ નિર્માણ અને રસ વિજ્ઞાન, શબ્દ વ્યુત્પત્તિ, જ્યોતિષશાસ્ત્ર, ખગોળ વિજ્ઞાન, જળ વિજ્ઞાન વગેરે અનેક વિધાઓમાં વર્તમાન સમયમાં અનેક સ્વતંત્ર વ્યવસાયના અવસરો ઉપલબ્ધ છે તેમ જણાવી કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીનો સંસ્કૃત પ્રત્યેનો સ્નેહ અને તેમના દ્વારા થતા સંસ્કૃતના કાર્યોની સરાહના કરી હતી.



