ભ્રષ્ટાચારી સંચાલકો દ્વારા ચીજવસ્તુઓ બારોબર સગેવગે કરવાની રાવ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
- Advertisement -
એક તરફ રાજ્ય સરકાર શાળા પ્રવેત્સોસવના નામે અનેક કાર્યક્રમો કરી બાળકોને ભણાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરે છે ત્યારે બીજી તરફ બાળકોનો પાયો જ નબળો હોવાનું સામે આવ્યું છે. મોટા ભાગે દરેક બાળકોના માતા પિતા પોતાના બાળકને બાલમંદિરની જ ખાનગી શાળામાં મોકલવા માટેનું સ્વપ્ન ધરાવતા હોય છે પરંતુ કેટલાક આર્થિક રીતે ગરીબ લોકોને આ સ્વપ્ન પૂરું નહિ થતું હોવાથી સરકારી આંગણવાડી ખાતે બાળકોને મોકલવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની મોટાભાગે આંગણવાડીઓ અનિયમિત હોવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામી છે. હાલમાં જ ધ્રાંગધ્રા ખાતે બાળકના વાલી દ્વારા આંગણવાડી અનિયમિત હોવાની ફરિયાદ સાથે બાળકોનો નાસતો અને ખાધ પદાર્થની સામગ્રીઓ બરોબર વેચી મારતાં હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે આ મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક સ્થળ વિઝીટ કરી સંચાલક અને હેલ્પરને કડક સૂચનાઓ આપી હતી પરંતુ આ પ્રકારે જ ધ્રાંગધ્રા પંથકમાં લગભગ મોટાભાગની પરિસ્થિતિ છે. ધ્રાંગધ્રા શહેરમાં જ આંગળીના વેઢે ગણાય તે માફક તમામ આંગણવાડીઓ બંધ અથવા અનિયમિત હોવાનું નજરે તરે છે. જ્યારે કેટલીક આંગણવાડીઓ તો લાખ્ખોના ખર્ચે વર્ષોથી નિર્માણ થઇ ચૂકી છે પરંતુ આજ સુધી કાર્યરત થઈ નથી. શહેરની દરેક આંગણવાડીઓમાં પોતાના બાળકોને મોકલતા વાલીઓની ફરિયાદો સાંભળવા મળે છે જ્યારે કેટલીય વખત આંગણવાડીઓના સંચાલકોની ફરિયાદ તેઓના અધિકારી કરતા “ચોરનો ભાઈ ઘંટી ચોર” જેવો ઘાટ સર્જાતા અધિકારી જ સંચાલકોને આંગણવાડીની સામગ્રી બરોબર વેચાણ કરવાની પરવાનગી આપતા હોય તેમ બચાવ કરે છે.
ત્યારે નાના ભૂલકાંઓના મોઢાનું ભોજન છીનવીને પોતાના ભાથા ભરનાર આંગણવાડીના સંચાલકો અને અધિકારીઓના પાપે સુરેન્દ્રનગર જિલ્લામાં બાળકોને સગવડ અર્થેની ગ્રાન્ટ છેલ્લા એક વર્ષથી રોકાઈ છે. આંગણવાડીઓમાં છેલ્લા એક વર્ષથી બાળકો માટે ઉપયોગ થતી ગ્રાન્ટ જ નથી અને આંગણવાડીના અધિકારી લોકફાળા થકી કામ ચલાવતા હોવાનું રટણ કરે છે.