રશિયન દળો પરત ગયા જ નથી! વધુ 7000 સૈનિકો ગોઠવાયા છે
યુક્રેનના બળવાખોર પ્રાંતમાં ચાર સ્થળોએ તોપમારો થયો હોવાનો રશિયાની સત્તાવાર સમાચાર એજન્સીનો રિપોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને યુક્રેન વચ્ચેના સરહદી તનાવમાં યુદ્ધના વાદળો વિખરાઈ રહ્યા હોવાના ગઈકાલે મળેલા સંકેતમાં અચાનક જ યુ ટર્ન આવ્યો છે અને અમેરિકાના પ્રેસીડેન્ટ આવાસ વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ રશિયન દળો સમયે યુક્રેનની સરહદમાં ઘુસી શકે છે. આ તબકકે રશિયાની સરકાર સાથે જોડાયેલી ન્યુઝ એજન્સી ‘સ્પુતનીક’ના જણાવ્યા મુજબ યુક્રેનના સૈન્યએ સરહદ પરના ચાર સ્થળો જયાં રશિયા-યુક્રેનના દળ સામસામા છે ત્યાં યુક્રેનના દળોએ તોપમારો કર્યો છે અને યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે.
એક તરફ યુક્રેન મુદે રશિયા અને અમેરિકા નેતૃત્વ ‘નાટો’ના દળો વચ્ચે જબરો તનાવ છે અને વ્હાઈટ હાઉસ હજુ માનવા તૈયાર નથી કે રશિયન દળો વાસ્તવમાં મુદા ટાળવા પાછા હટી ગયા છે અને રશિયાએ યુક્રેનની સરહદ પર જે રીતે સૈન્ય જમાવટ કરી છે. એ યુક્રેનમાં ઘૂસવા માટેની તૈયારી જ છે તો બીજી તરફ રશિયાએ આરોપ મુકયો છે કે યુક્રેન ઉશ્કેરીજનક હરકતો કરી રહ્યું છે.
- Advertisement -
રશિયન સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ ખુદને આઝાદ જાહેર કરેલા લુહાન્સક પીપલ્સ લીબરેશનની સરહદ પર યુક્રેનના લશ્કરી દળોએ મોર્ટાર, તથા ગ્રેનેડ દાગ્યા હતા અને ચાર સ્થળોએ આ રીતે યુદ્ધ વિરામનો ભંગ થયો છે. આ ક્ષેત્ર એવા છે જયાં રશિયન મદદથી સ્થાનિક ક્ષેત્રમાં યુક્રેનથી અલગ થવાનો બળવો થયો છે.
રશિયાએ 7000 વધુ સૈનિકો ગોઠવ્યા: ઈસ્ટોરિયા
આ ક્ષેત્રમાં 2015માં અલગતાવાદી તથા યુક્રેનના દળો વચ્ચે યુદ્ધ વિરામના કરાર થયા હતા. અગાઉ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન એ આરોપ મુકયો હતો કે આ વિવાદનો ઉકેલ લાવવામાં યુક્રેન પાછીપાની કરી રહ્યું છે. બીજી તરફ યુક્રેન સરહદેથી ‘યુદ્ધ અભ્યાસ’ પુરો કરીને રશિયન દળો પાછા ફરી રહ્યા છે તેવી રશિયન જાહેરાત પણ છેતરામણી પુરવાર થઈ છે.