‘ઉલઝ’નું દિલ્હીમાં આખું શિડયૂલ રદ કરી દેવું પડયું
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીમાં યમુના નદીમાં આવેલાં મહાભયાનક પૂરના કારણે જાહ્નવી કપૂરની ફિલ્મ ’ઉલઝ’નું શૂટિંગ પણ લટકી પડયું છે. આ મહિનાના બીજા સપ્તાહમાં આ ફિલ્મનું યુનિટ દિલ્હી પહોંચવાનું હતું. તેમણે લાલકિલ્લા, કુતુબ મીનાર સહિત પ્રાચીન દિલ્હી તથા નવી દિલ્હીના આધુનિક વિસ્તારોમાં પણ શૂટિંગનો પ્લાન બનાવ્યો હતો. તે માટે જરુરી તમામ મંજૂરીઓ પણ મેળવી લીધી હતી.
- Advertisement -
જોકે, દિલ્હીમાં હાલ પૂરના કારણે ભારે ખાનાખરાબી થઈ છે. તેના કારણે આગામી કેટલાય દિવસો સુધી ત્યાં જનજીવન સામાન્ય બનવાની કોઈ શક્યતા નથી. પૂરના સંજોગોના કારણે ફિલ્મ નિર્માતાએ શૂટિંગ મુલત્વી રાખવાનું નક્કી કર્યું છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં દિલ્હીના કેટલાંય લોકેશન્સ વાર્તાની રીતે બહુ મહત્વનાં છે અને તેથી ઉત્તર ભારત કે રાજસ્થાનનાં અન્ય કોઈ શહેરમાં શૂટિંગ કરવાનો વિકલ્પ પણ પડતો મૂકાયો હતો. હવે પૂરની સ્થિતિ સુધરે તે પછી આગામી ઓગસ્ટમાં કે સપ્ટેમ્બરમાં શૂટિંગની યોજના બનાવાશે.