બગડ સહકારી મંડળીના સેક્રેટરી ભૂપત મકવાણાએ ખેડૂતોના રૂ.4.22 કરોડની રકમ ઉચાપત કરી લીધી
ખાસ-ખબર સંવાદદાતા
બોટાદ જિલ્લાના રાણપુર ગામની અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કની શાખા બહાર બગડ ગામના ખેડૂતોએ આંદોલન માંડ્યું છે. એડીસી બેન્ક હાય..હાય..ના નારા સાથે ખેડૂતો અને બગડ સહકારી મંડળીના ચેરમેને એડીસી બેન્ક બહાર વિરોધ કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે રાણપુર તાલુકાના બગડ ગામે આવેલી ધી બગડ સેવા સહકારી મંડળી લિમિટેડના સેક્રેટરી ભૂપતભાઈ મકવાણાએ ખેડૂતોએ ભરેલા પૈસા પોતે અંગત વપરાશ માટે ઉચાપત કરી લીધા હતા. જેના ઉઘરાણા એડીસી બેન્કે ખેડૂતો પાસેથી માંગતા ખેડૂતોએ એડીસી બેન્ક સામે વિરોધ કર્યો છે. ધી બગડ સેવા સહકારી મંડળી લિમિટેડના સેક્રેટરી ભૂપતભાઈ મકવાણાએ 4 કરોડ 22 લાખની ઉચાપત કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોએ સહકારી મંડળીમાંથી ધિરાણ લીધું હતું જો કે, આ ધિરાણ એડીસી બેન્ક આપતી હોય છે. આ ધિરાણના હપ્તા પણ ખેડૂતોએ મંડળીમાં જ જમા કરાવવાના હોય છે. ત્યારે આ મંડળીના સેક્રેટરી ભૂપત મકવાણાએ ચાર ગામના ખેડૂતોના પૈસા એડીસીમાં જમા કરવવાના બદલે પોતે અંગત ખર્ચ માટે જમા ન કરાવ્યા અને ઉચાપત કરી લીધી.
- Advertisement -
સેક્રેટરીએ ઉચાપત કરવાનું કબૂલ્યું હોવા છતા ADS બેન્કનું વિચિત્ર વલણ
જ્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સેક્રેટરી ભૂપતભાઈ મકવાણાએ પોતે ઉચાપત કર્યાનું સ્વીકારી પણ લીધું અને બેન્કે તેની સંપત્તિ પણ જપ્ત કરી લીધી. જ્યારે જિલ્લા સહકારી રજિસ્ટ્રારે પણ બેન્કને હુકમ કર્યો કે, ઉચાપત કર્યાની 4.22 કરોડની રકમ બેન્કે ખેડૂતો પાસેથી નહીં પણ સેક્રેટરી પાસેથી ઉઘરાવવી. છતા પણ એડીસી બેન્કે પૈસાના ઉઘરાણા માટે ખેડૂતોને કહેતા હાલ વિરોધનો વંટોળ ઉમટ્યો છે.
વ્યવસ્થા કમિટી અને બેન્કના અધિકારીઓ પણ ઉચાપતમાં સંડોવાયેલા: ભૂરાભાઈ
ધી બગડ સેવા સહકારી મંડળીના ચેરમેન ભૂરાભાઈ જીવાભાઈએ ખાસ ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2009માં બનેલી વ્યવસ્થા કમિટી અને બેન્કના અધિકારીઓ પણ ઉચાપતમાં સંડોવાયેલા છે. છેલ્લા દસ વર્ષથી ખેડૂતોની લોન ચાલુ છે રેગ્યુલર હપ્તા ભરે છે છતા એડીસી બેન્ક 4.22 કરોડની ઉઘરાણી ખેડૂતો પાસેથી કરી રહ્યા છે.
- Advertisement -
ખેડૂતોએ બેન્કને નહીં પરંતુ સહકારી મંડળીમાં પૈસા ભરવાના હોય છે
જ્યારે કોઈ સહકારી મંડળી ખેડૂતોને ધિરાણ આપે છે ત્યારે તે ધિરાણ બદલ ખેડૂતો પાસેથી જમીન ગીરવે લેતી હોય છે. અને ધિરાણ એડીસી બેન્ક ખેડૂતોને આપે છે પરંતુ જ્યારે તે પૈસા ભરવાના હોય ત્યારે ખેડૂતો સહકારી મંડળીને ભરે છે પરંતુ આ ધિરાણ સહકારી મંડળીની મંજૂરીથી જ એડીસી બેન્ક આપતી હોય છે. આમ ખેડૂતો અને બેન્ક વચ્ચે કોઈ સીધો સંપર્ક હોતો નથી.
બેન્કે ભૂપત મકવાણાની મિલકત જપ્ત કરી લીધી હોવા છતા શા માટે ખેડૂતો પાસે ઉઘરાણી?
આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું ત્યારે બગડ સેવા સહકારી મંડળીના સેક્રેટરી ભૂપત મકવાણાએ ખેડૂતોના 4.22 કરોડની ઉચાપત કર્યાનું કબૂલ્યું હતું અને પોતાની 300 વિઘા જમીન અને કપાસનું જીન બેન્કને ગીરવે મુકી દીધું હતુ અને લેખિતમાં જણાવ્યું હતું કે, આ પૈસા ખેડૂતો પાસેથી ન વસૂલવા અને જિલ્લા સહકારી રજિસ્ટ્રારે પણ મહોર મારી હોવા છતા એડીસી બેન્ક ખેડૂતો પાસેથી પૈસાની ઉઘરાણી કરી રહી છે. જ્યારે ખેડૂતો પાસેથી સહકારી મંડળીમાં પૈસા ભર્યાની પહોંચ પણ છે અને બગડ સહકારી મંડળીના ખાતે ભૂપત મકવાણાએ પૈસા ઉપાડ્યાની એન્ટ્રી પણ બોલે છે છતા એડીસી બેન્ક ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવા માંગણી કરીને પરેશાન કરી રહી છે.