કરોડોનો ગેરવહિવટ કરાયાનું સામે આવ્યું
પાપ છાપરે ચડી અને બોલ્યું : કોંગી પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કર્યા ચોંકાવનારા ખુલાસા
- Advertisement -
સરકાર આ 10 કરોડથી વધુના ગેરવહીવટની રકમ તત્કાલીન કુલપતિ પાસેથી વસુલે તેવી કોંગ્રેસે કરી માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
શાસક દ્વારા વહીવટ કરતી વખતે સત્તાના નશામાં રહી અને કરેલ ગેરવહીવટ ગમે ત્યારે બહાર આવતો હોય છે. આવુજ કઈક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે છ વર્ષ રાજાશાહી ભોગવનાર પ્રબુદ્ધ વિદ્વાન કમલેશ જોશીપુરાના કિસ્સામાં પણ બન્યું છે. કાયદા અને વહીવટમાં પોતાને નિષ્ણાત માનતા, અને અગાસી પર બેસી અને નિર્ણયો કરતા કમલેશ જોશીપુરાએ, જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ પેદે હતા ત્યારે યુનિવર્સિટીમાં ટોળકી રચી ભ્રષ્ટ્રાચાર કર્યો હતો તેવા આક્ષેપો તે વખતે પણ થયા હતા. કોલેજના જોડાણોમાં ભાવ પત્રક કોન્ગ્રેસે તે વખતે બહાર પડ્યું હતું. રેજીસ્ટ્રાર ગજેન્દ્ર જાનીની ગેરકાયદેસર નિમણુંક પણ કમલેશ જોષીપુરાના સમયમાં થયેલ હતી, જેને પાછળથી નામદાર ઉચ્ચ ન્યાયાલયે ગેરકાયદેસર માની હતી અને જાનીને ઘર ભેગા કર્યા હતા.
- Advertisement -
લાંબી કાનૂની લડાઈ બાદ જોશીપુરા દ્વારા થયેલ જાનીની નિમણુંક ગેરકાયદેસર સાબિત થઇ અને, હમણાંજ યુનિવર્સિટી પર સરકારના ઓડિટ વિભાગ દ્વારા જોષીપુરાના સમયમાં થયેલ બિનકાયદેસર બાંધકામ અને ખોટા ખર્ચની વિગત અમાન્ય ગણવાની જાણ કરવામાં આવી છે.વર્તમાન સત્તાધીશો કુલપતિ અને રજિસ્ટાર દ્વારા નાની નાની બાબતો પત્રકારોને આપવામાં આવે છે, પણ આવડી મોટી વાતને છુપાવવામાં આવી છે. અમને મળેલ વિગતો મુજબ જોશીપુરા દ્વારા થયેલ ગેરકાયદેસર કામની ચિઠ્ઠીમાં આવેલ નાણાકીય ગેરરીતિનો આંકડો 10 કરોડ થી પણ વધુનો થાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલસચિવ દ્વારા એક ગ્રૂપમાં આ બધી હકીકતો અપલોડ કરતા ભાંડો ફૂટ્યો હતો, જેની વિગત કોંગ્રેસના પ્રવક્તાને પ્રાપ્ત થઇ છે. સરકારના ઓડિટ વિભાગે કાઢેલી વિગત મુજબ, બિનશૈક્ષણિક કર્મચારીઓની ઇન્ટરવ્યૂ વગર થયેલ ભરતીથી યુનિવર્સિટી ને 4.21 કરોડનો ખર્ચ થયો જે ગેરકાયદેસર છે. 4.46 કરોડનો બાંધકામનો ખોટો ખર્ચ કરાયો. જોશીપુરા દ્વારા બાંધકામના સંદર્ભે થયેલ નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા હતા અને તે વખતે પણ કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો દ્વારા વિરોધ કરાયો હતો. વિદ્યાર્થીઓના ફીના પૈસે બનવેલ કોન્વોકેશનના બિલ્ડીંગનો માંચડો આજે પણ એમજ પડ્યો છે, જેની પાછળ એક કરોડ અને 61 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
શિક્ષણ શાસ્ત્ર ભવન પાસે આવુજ વણવપરાયેલ ખંઢેર ઉભું છે તેમાં પણ 25 લાખ રૂપિયાનો ખર્ચ થેયલ હતો. આ કામો ટેન્ડર વગર મળતિયા કોન્ટ્રાક્ટરો ને આપવામાં આવ્યા હતા. ડ્રગ સેન્ટરમાં 67.29 લાખ નું ઇન્ટેરિયર ગેરકાયદેસર કરાયું, આ ઇન્ટેરિઓર માટે કોઈ ગ્રાન્ટ ઉપલબ્ધ નહતી છતાં મળતિયા કોન્ટ્રાક્ટરો પાસે કામ કરાવ્યું હતું. બાંધકામના કોન્ટ્રાક્ટરના 90.22 લાખ પરત વાસુલ કરવાના હતા. આ વસુલાત ના કરી અને જોશીપુરા દ્વારા યુનિવર્સિટી ને આર્થિક નુકસાન કર્યું, તેવું ઓડિટ રિપોર્ટમાં જાહેર થયું છે. કોન્ટ્રાક્ટરો સાથે સાઠગાંઠ નો આરોપ તે વખતે તત્કાલીન સિન્ડિકેટ સભ્ય ડો નીદત્ત બારોટ દ્વારા પણ કરવામાં આવ્યો હતો.
ઘોડાના તબેલા માટે ખર્ચાયેલ 60 લાખ રૂપિયા પછી એક પણ ઘોડો આવ્યો નહિ. જે તે વખતે તબેલો ચલાવવાનું કામ યુનિવર્સિટીનું નથી, તેવી માંગણી કોન્ગ્રેસ ના સિન્ડિકેટ સભ્યો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ સત્તાના નશામાં જોશીપુરા દ્વારા આડેધડ ખર્ચ કરવામાં આવ્યા હતા. હજુ તો 2 વર્ષ નું સરવૈયું અમારી પાસે આવ્યું છે. તેમના સમય ગાળાની બધી વિગતનો આંક 20 કરોડ ઉપર જવાની સંભાવના છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા તે વખતે કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર વહીવટના આક્ષેપોને સરકારના ઓડિટ વિભાગે સાચા સાબિત કર્યાં છે. ખોટું કરનારનું પાપ છાપરે ચડી અને બોલે તે આજે સાબિત થયું છે.