સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી SMC ટીમની મોટી કાર્યવાહી
ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર હોટલની આડમાં ચાલતો ગોરખધંધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત એસ.એમ.સી દ્વારા સ્થાનિક પોલીસ પર શંકા ઉપજે તે પ્રકારના કૌભાંડનો પર્દાફાસ કર્યો છે. જેમાં ધ્રાંગધ્રા – માલવણ હાઈવે પર હોટેલની પાછળ ચાલતા કેમિકલ કાઢવાના કૌભાંડને ઉજાગર કર્યું છે. ધ્રાંગધ્રા હાઇવે પર મોટાભાગની હોટેલની આડમાં કેમિકલ, ડીઝલ, લોખંડ, તેલ સહિતની ચીજવસ્તુઓ ટ્રક માંથી બરાબર કાઢવાની ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી છે તેવામાં ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી બ્લ્યુસ્ટાર હોટેલની પાછળ ટ્રકમાંથી કેમિકલ કાઢવામાં આવતું હોવાની માહિતી ગાંધીનગર એસ.એમ.સી ટીમને મળતા ગત બુધવારે મોડી રાત્રે દરોડો કરવામાં આવ્યો હતો જે દરોડા દરમિયાન ટેન્કરમાંથી કેમિકલ કાઢવામાં આવતું હોવાથી રંગે હાથે ચાર જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા આ સાથે કેમિકલનો મોટા પ્રમાણમાં જથ્થો, વાહનો, પી.વી.સીના કેરબા સહિત આશરે પચાસ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરાયો હતો.
આ પ્રકારે હાઇવેથી માત્ર 500 મીટર જેટલી દૂરી પર આ પ્રકારનું કૌભાંડ ચાલતું હોય જેની સ્થાનિક પોલીસને જાણ સુધ્ધાં ન હોય ? તે વાત કેટલા અંશે વ્યાજબી કહી શકાય પરંતુ હાલ જ્યારે એસ.એમ.સી દ્વારા કરેલ દરોડામાં સ્થાનિક પોલીસ પર શંકા ઉપજી છે.
ધ્રાંગધ્રા – માલવણ હાઇવે પર હોટલોની હારમાળા સર્જાઈ છે જેમાંથી મોટાભાગની હોટલના આડમાં આ પ્રકારના ગોરખધંધા જ થાય છે જેની ઉદાહરણ તરીકે અગાઉ પણ ટ્રકમાંથી લોખંડ, તેલ, ડીઝલ સહિતની ચીજવસ્તુઓ ઉતરતા હોવાનું સામે આવ્યું છે.