ધારાસભ્ય ઇટાલિયાની ઉપસ્થિતિમાં સભા યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
માણાવદરમાં અંદાજે 23 કરોડ રૂપિયાના ખર્ચે રસાલા ડેમ સાઈટ પર નિર્માણ પામેલો રિવરફ્રન્ટ છેલ્લા ત્રણ વર્ષથી ખુલ્લો મુકાયો ન હોવાથી ખંડેર હાલતમાં ફેરવાઈ ગયો છે. આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.
આ વિશાળ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં, રિવરફ્રન્ટનું લોકાર્પણ થયું નથી. પરિણામે, તે ધૂળ ખાઈ રહ્યું છે અને જાળવણીના અભાવે તેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી (આપ) ના નેતાઓએ જણાવ્યું કે, રિવરફ્રન્ટની લાદીઓ ઉખડી ગઈ છે, અને જ્યાં ત્યાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ પ્રજાના પૈસાના વેડફાટ સમાન છે. આપના નેતાઓનો આરોપ છે કે, હાલ રિવરફ્રન્ટને સંભાળવા માટે ફંડ ન હોવાનું બહાનું આગળ ધરી પાલિકાના સત્તાધીશોએ હાથ ઊંચા કરી દીધા છે. નગરપાલિકા બાદ હવે પ્રવાસન વિભાગે પણ રિવરફ્રન્ટની જાળવણી કરવાની બાબતમાં પીછેહઠ કરી દીધી છે. જો સંભાળવાની ક્ષમતા ન હતી તો આટલા મોટા ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનો શું અર્થ? આપ નેતાઓએ શાસક પક્ષના નેતાઓ પાસેથી આ પ્રજાના પૈસાના દુરુપયોગનો જવાબ માંગ્યો છે.
- Advertisement -
આ રિવરફ્રન્ટ બનવાને કારણે રસાલા ડેમનું કદ પણ ઘટી ગયું છે, જેના પરિણામે તેની જળસંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થયો છે. આ પર્યાવરણીય અસર પણ ચિંતાનો વિષય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રિવરફ્રન્ટનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. હવે જ્યારે આમ આદમી પાર્ટી આ મુદ્દે મેદાને આવી છે, ત્યારે માણાવદર પંથકના રાજકારણમાં ગરમાવો પ્રસરી ગયો છે. આ મુદ્દે હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં માણાવદરમાં સભા યોજવામાં આવશે. અને માણાવદરની પ્રજાને સાથે રાખીને રિવરફ્રન્ટની જાળવણી અંગે તેમના વિચારો અને મંતવ્યો માંગવામાં આવશે.