વાલીઓની ફી ઘટાડાની માંગ : સ્કૂલની મનમાની નહીં ચાલવા દઈએ
મોંઘવારીના નામે લોકો મનફાવે તેમ ભાવધારો કરી રહ્યા છે. વહેતી ગંગામાં અમને પણ લાભ મળે તેવી સ્વાર્થ વૃતિ સાથે રાજકોટ શહેરની જાણીતી એવી રાજકુમાર કોલેજે પણ પોતાના હાથ સાફ કર્યા છે. રાજ્ય સરકારના FRC (ફી રેગ્યુલેટરી કમિટિ)ના નિયમોનો ઉલાળ્યો કરીને રાજકુમાર કોલેજે ધોરણ 1 થી 6માં સીધો 20 ટકાનો ફી વધારો કર્યો છે. FRCના નિયમો મુજબ કોઈપણ શાળા રેગ્યુલર ફીમાં 10 ટકાનો વધારો કરી શકે છે. પરંતુ રાજકુમાર કોલેજે સીધો 20 ટકાનો વધારો કરીને વાલીઓની તૂટેલી કમરને વધુ તોડી નાખી છે.
રાજકોટની પ્રતિષ્ઠિત ગણાતી એવી રાજકુમાર કોલેજે 11 માર્ચના રોજ ધોરણ 1 થી 6ની ફીમાં સીધો 20 ટકાનો વધારો કર્યો હતો. સરકારના ફી રેગ્યુલેટરી કમિટિના નિયમોને આડા કરીને પોતાનો સીધો લાભ સાધવા 10 ટકાના બદલે 20 ટકાનો ફી વધારો કરીને વાર્ષિક ફી 1.14 લાખમાંથી 1.39 લાખ કરી દીધી છે. જેને લઈને વાલી મંડળ દ્વારા આજરોજ રાજકુમાર કોલેજમાં હોબાળો મચાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહીને સ્કુલને પોતાની મનમાની ન કરવા જણાવ્યું છે. રાજકુમાર કોલેજ નાસ્તાની ફીમાં પણ વધારો કરીને વાલીનું આર્થિક શોષણ કરી રહી છે. જેનો સ્વીકાર ન કરતાં વાલીઓએ ફી વધારાને પરત ખેંચવા માંગ કરી છે.


