75.38 લાખના ખર્ચે બનેલ રોડમાં હદ વગરનો ભ્રષ્ટાચાર!
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેર નજીક આવેલા નઝરબાગ રેલવે સ્ટેશનથી ફિલ્ટર પ્લાન્ટ સુધીનો 1.2 કિમીનો રોડ છેલ્લા 40 વર્ષથી કાચો અને ઉબડખાબડ હતો. ચોમાસામાં તો અહીંથી નીકળવું મુશ્કેલ હતું ત્યારે જે તે સમયે ભડિયાદ ગ્રામ પંચાયતના હોદેદારો, સ્થાનિક ભાજપ આગેવાનો, જિલ્લા પંચાયત સદસ્ય હીરાભાઈ ટમારીયા તેમજ ગ્રામજનોની રજૂઆતને પગલે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ નોન પ્લાન રસ્તાને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 1.2 કિમીનો સીસી રોડ મંજુર કરાવ્યો હતો અને રસ્તાનું કામ હાથ ધરાયુ હતું જોકે રોડ બનવાનો શરૂ થયો હતો તે સમયથી જ રસ્તાનું કામ ગુણવતાવિહોણું થતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા અને આ અંગે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ચૌધરીને ફરિયાદ પણ કરવામાં હતી જોકે અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલિભગતથી રોડનું કામ જેમને તેમ પૂર્ણ કરી દેવાયુ છે.
- Advertisement -
આ રોડનું કામ એટલી હદે ગુણવત્તા વિહીન બન્યું છે કે રોડ બન્યાને હજુ 4 મહિના જેટલો પણ સમય નથી થયો ત્યાં રોડ પર ઠેરઠેર તિરાડો પડવા લાગી જ્યારે ગાંધી સોસાયટીના ગેટ પાસેથી તો રોડની કાંકરી અને સળિયા પણ બહાર નીકળી ગયા છે. આ રોડ એટલી હદે હલકી ગુણવતાનો બન્યો છે કે રસ્તા પર પાણીના નિકાલ માટેનું લેવલીંગ પણ જળવાયું ન હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે આ ચોમાસામાં રોડ હલકી ગુણવત્તાનો હોવાથી રોડ પર વરસાદી પાણી ભરાશે તથા રોડમાંથી સીમેન્ટ અને કાંકરીઓ ઉખડવા લાગશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
રોડના કામમાં થયેલી ગેરરીતિ સામે અધિકારીઓના આંખ આડા કાન !
મોરબી જિલ્લા પંચાયત દ્વારા જે તે એજન્સીને રોડનું કામ સોંપવામાં આવ્યું હતું તે સમયે ટેન્ડરમાં આપેલ શરત મુજબ જુલાઈ મહિનામાં રોડનું કામ પૂર્ણ કરી દેવાનું હતું જોકે હજુ આ રોડનું કામ પૂર્ણ કરવાની મુદત પણ પૂર્ણ થઈ નથી ત્યાં આ રોડમાં થયેલ ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો હોવા છતાં જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના ઇજેનરને કેમ આ ભ્રષ્ટાચાર દેખાતો નથી? શું રોડના કામમાં થયેલી આ ગેરરીતિ સામે આંખ આડા કાન કરવા અધિકારીઓ અને જિલ્લા પંચાયતના કોઈ પદાધિકારીને કોન્ટ્રાક્ટર દ્વારા પ્રસાદ ધરવામાં આવ્યો છે? તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.