ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા પંથકના બોડીદર – જાંજરીયા ગામ વચ્ચેનો ત્રણ કી.મી.નો રસ્તો સાત વર્ષ પહેલા બની ગયો છે પરંતુ આ રસ્તામાં વચ્ચે આવતી ચંદ્રભાગા નદી ઉપર પુલ બનાવવાનું જાણે તંત્ર ભુલી ગયુ હોય તેમ હજુ સુધી બન્યો નથી. જેના કારણે ગ્રામજનો અને બાળકો જોખમ સાથે પસાર થવા મજબુર છે. ત્યારે પુલ બનાવવા તંત્ર ધ્યાને આપે તેવી માંગણી ઉઠી છે. ગીરગઢડા તાલુકાના બોડીદર, સોનપરા, ભિયાળ ગામના લોકોને તાલુકા મથક ગીરગઢડા જવા માટે બોડીદરથી વાયા જાંજરીયા રસ્તા ઉપરથી પસાર થવું પડે છે. આ બંન્ને ગામની વચ્ચેનો ત્રણ કીમીનો પેવર રોડ બન્યાને સાત વર્ષ જેવો સમયગાળો પસાર થઈ ચુક્યો છે. જેથી આ પેવર રસ્તો હાલ બિસ્માર પણ બની ગયો છે અને લગભગ બીજી વખત નવો પેવર રસ્તો પણ આગામી દિવસોમાં બની જશે. પરંતુ આ રસ્તા વચ્ચે આવતા ચંદ્રભાગા નદીના પસાર થતા પાણી ઉપર પુલ બનાવવા માટે તંત્ર તૈયાર ન હોય તેવી અનુભુતી ગ્રામજનો કરી રહ્યા છે. આ પુલની એટલે જરૂરીયાત રહે છે કે, બોડીદર ગામના અનેક ખેડૂતોની જમીન નદીના સામે પાર છે. જેથી ખેડૂતોને ખેતરે આવન- જાવન કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી જ મુશ્કેલીનો સામનો ગ્રામજનો અને બાળકોને પણ કરવો પડી રહ્યો છે. આના કારણે કેટલાક ખેડૂતો વાડી એ જ રહેવા જતા રહ્યા છે. તો આવા પરિવારોના બાળકોને શાળાએ જવા નદીમાં ઉતરીને જવું પડે છે.પરંતુ તંત્રને આ મુશ્કેલી નજરમાં જ આવતી ન હોય તેમ બેઘ્યાન હોવાનો અહેસાસ ગ્રામજનો કરી રહ્યા છે. વિકાસના બણગાં ફૂંકતા પ્રજાના પ્રતિનિધિઓ આ મુશ્કેલીનો ઉકેલ લાવવા પુલનું કામ ક્યારે કરાવશે તે જોવું રહેશે.
ગીરગઢડાનાં બોડીદરથી જાંજરીયા વચ્ચેનો રસ્તો બિસ્માર હાલતમાં
