મોરબીથી પ્રેમીને રાજકોટ મળવા આવેલી યુવતી હવસનો શિકાર બની
જો કે, યુવતીએ હિંમત રાખી રિક્ષા ચાલકને પેટમાં પાટુ મારી પછાડી દઈ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી ફિરોઝ સામે ફરિયાદ નોંધાવી
- Advertisement -
મોરબી પંથકની યુવતી તેના પ્રેમીને રાજકોટ મળવા આવી હતી. પરંતુ પ્રેમી તેને લેવા ન આવતાં જંગલેશ્વરના ફિરોઝ નામના રિક્ષાચાલકે તેને મદદ કરવાના બહાને પોતાના ફોનમાંથી પ્રેમી સાથે વાત કરાવી હતી. બાદમાં પ્રેમી સવારે આવવાનો છે એ જાણી લઈ યુવતીને ‘બહેન’ કહી રાતે પોતાના ઘરે આશરો આપવાનું કહ્યું હતું. પરંતુ ઘરના બહાને તે યુવતીને જંગલેશ્વરમાં લઈ ગયો હતો અને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે યુવતીએ હિમ્મતભેર સામનો કરી તેને પેટમાં પાટુ મારી પછાડી દઈ ભાગી ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી ફિરોઝ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી હવસખોર ફિરોઝને રાતોરાત સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી પંથકમાં પરિવારજનો સાથે વાડી વિસ્તારમાં રહી મજૂરી કરતી 19 વર્ષની યુવતી ગઈકાલે સાંજે તેના પ્રેમીને મળવા રાજકોટ બસ સ્ટેશને આવી હતી. મળતી વિગત મુજબ યુવતીને તેના જ કુટુંબીના પુત્ર સાથે પ્રેમ થઈ ગયો હતો. પોતે વતનમાં જાય છે તેવું બહેનને ખોટુ બોલી ગત સાંજે મોરબી પંથકથી પ્રેમીને મળવા બસ મારફત રાજકોટ બસ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. પરંતુ પ્રેમી તેડવા ન આવતાં એક રિક્ષાચાલકે તેને મદદ કરવાના બહાને પહેલા પોતાના ફોનમાંથી યુવતીના પ્રેમી સાથે વાત કરાવી દીધી હતી. બાદમાં મોડી રાત સુધી પ્રેમી ન આવતાં ફરીથી વાત કરાવતાં પ્રેમીએ પોતે સવારે આવશે તેવું કહી દેતાં રિક્ષાચાલકની દાનત બગડી હતી અને ‘બહેન’ તું મારા ઘરે મારા માતા સાથે સુઇ જજે, સવારે તને મુકી જઇશ’ એવો વિશ્વાસ આપ્યો હતો.
તારે મારા બા ભેગું નહીં, મારી સાથે સૂવાનું છે
યુવતીને જંગલેશ્વરમાં પોતાના ઘરે લઈ જઈ ‘તારે મારા બા ભેગું નહીં, મારી સાથે સૂવાનું છે’ તેવું કહી રૂમમાં પૂરી દુષ્કર્મ આચર્યું હતું. માથે જતા તમાચા ઝીંકતા યુવતીએ હિમ્મતભેર સામનો કરી ફિરોઝના પેટમાં પાટુ મારી પછાડી દઈ ભાગી નીકળી હતી. બાદમાં યુવતી એક જાગૃત નાગરિકની મદદથી પોલીસ સ્ટેશને પહોંચી હતી. પોલીસે હાલ યુવતીની ફરિયાદને આધારે જંગલેશ્વરના ફિરોઝ નામના રિક્ષાચાલક વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યાનો ગુનો નોંધ્યો છે.