કૂઆમાંથી ત્રણ મૃતદેહ મળ્યા
ઘટનાની જાણ થતાં જ સાંસદ અને પોલીસનો કાફલો દોડ્યો-પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા લાગી રહી છે: પોલીસ અધિકારી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમ વિસ્તારમાં કૂઆમાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ત્રણેય મૃતદેહ ભાઇ-બહેન અને ભાભીના છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ લાલાવદર ગામની સીમમાં આવેલી અલ્પેશભાઇની વાડીમાં પરપ્રાંતિય પરિવાર ખેત મજૂરી કરતો હતો. જેમણે બે દિવસ અગાઉ કૂઆમાં ઝંપલાવ્યું હતું. ગ્રામજનોએ ઘટનાની જાણ અમરેલી ફાયર વિભાગની ટીમને કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમણે કૂઆમાંથી મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને અમરેલીના સાંસદ નારણ કાછડીયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ અંગે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા લાગી રહી છે. આદિવાસી પરિવાર છે હોઇ શકે કે આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હોય. હાલ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે અને પોલીસ તપાસ ચાલી રહી છે.
ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા અને જાનુબેન અંતુરભાઈ દેવરખીયાનો સમાવેશ થાય છે.