લુણાવાડાની બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થયું
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
- Advertisement -
ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો. જોકે, શનિવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. આ વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વહેલી સવારે ગોધરા, લુણાવાડા, ડાંગ અને છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડાંગની ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યારે લુણાવાડાની બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થયું છે. બીજી તરફ પૂરની સ્થિતિમાંથી બહાર આવેલા વડોદરામાં ફરી વરસાદ શરૂ થયો છે.
તાપી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. સોનગઢ તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે રોડ રસ્તા પાણી પાણી થયા છે. સોનગઢ થી ટોકરવા થઈ વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. સોનગઢ થી સાપુતારા તરફ જતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. સાવચેતીના ભાગરૂપે માર્ગ બંધ કરવા આવ્યો છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સવારથી વરસાદ શરૂ થયો છે. ડાંગ જિલ્લામાં ગત રાતથી વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ છે. બીજી તરફ નવસારી જિલ્લાના ઉપરવાસ ડાંગમાં વરસાદથી કાવેરી અને અંબિકા નદીના જળસ્તર વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા બે થી અઢી વાગ્યા સુધીમાં નદીઓમાં પાણી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. ગણદેવી તાલુકા સહિત બીલીમોરા શહેરમાં બે વખત પૂરથી મુશ્કેલીમાં મુકાયા હતા.
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ચાર કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા ડાંગ જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલા ઝાવડા ગામ પાસેનાં માર્ગ પર ખાપરી નદીના પાણી ભરાઈ ગયા છે. ખાપરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ચારેબાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
- Advertisement -
પૂરની સ્થિતિ બાદ વડોદરામાં ફરી વરસાદ
પૂરની સ્થિતિ બાદ ફરી એકવાર વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જેથી સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. સ્કૂલમાં મૂકવા જતાં વાલીઓ બાળકને સ્કૂલે પહોચાડવામાં ક્યાંકને ક્યાંક મુશ્કેલીમાં જોવા મળ્યા હતાં, તો નોકરી ધંધા માટે જતાં લોકોને પણ સતત ધીમીધારે વરસતા વરસાદ વચ્ચે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજવા સરોવરના રુલર લેવલ સુધી પાણી ખાલી કરી દેવામાં આવ્યું છે. જો ઉપરવાસમાં ભારે વરસાદ વરસે તો વડોદરા શહેર માટે કોઈ ચિંતાનો વિષય નથી. અત્યાર સુધીમા વડોદરા શહેરમા સિજનનો 51.90 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. હાલમા આજવા સરોવરની સપાટી 211.95 ફુટ છે, જ્યારે વિશ્વામિત્રી નદી કાલાઘોડા ખાતે 16 ફૂટે વહી રહી છે. ભારે વરસાદ થાય અને વડોદરામાં વધું વરસાદ વર્ષે તો ફરી ચિંતા વ્યાપી શકે છે પરંતું હાલમા કોઈ શક્યતાઓ નથી.
દક્ષિણ ગુજરાતમાં સવારથી ધોધમાર વરસાદ
જિલ્લા -તાલુકા -વરસાદ
ડાંગ -વાઘાઈ -6.42
તાપી -સોનગઢ -5.83
નવસારી -વાંસડા -5.31
તાપી -ડોલવણ -4.65
તાપી -ઉચ્છલ -4.37
તાપી -વ્યારા -3.58
ડાંગ ડાંગ-આહવા -3.19
ડાંગ -સુબીર -2.64
પંચમહાલ -મોરવા (હડફ) -2.32
મહીસાગર -લુણાવાડા -2.17
દાહોદ -લીમખેડા -1.97
છોટાઉદેપુર -જેતપુર પાવી -1.77
તાપી -વાલોડ -1.65
દાહોદ -ઝાલોદ -1.61
દાહોદ -સિંગવડ -1.57
દાહોદ -ફતેપુરા -1.50
નર્મદા -તિલકવાડા -1.50
નર્મદા -ગરુડેશ્ર્વર -1.30
છોટાઉદેપુર -નસવાડી -1.22
મહીસાગર -કડાણા -1.18