એક તરફ PM મોદી સ્કૂલ ઑફ ઍક્સેલન્સનાં નવા ફેઝનું ઉદ્દઘાટન કરી રહ્યાં છે…બીજી તરફ…
5500 રૂ.ના ગણવેશ 6 મહિનામાં જ કેમ બની ગયા ગાભા જેવા?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ ખાતેથી 10 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સના નવા ફેઝનું લોન્ચ કરવાના છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ દેશનો સૌથી મોટો સ્કૂલ ટોન્ર્ફોમેશનનો પ્રોજેક્ટ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની સરકારી શાળાઓ અને શિક્ષણની સ્થિતિ સુધારવા માટે સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. અફસોસ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સ્કૂલ ઓફ એક્સલન્સની લાખો રૂપિયાની ગ્રાન્ટનો રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા દુરુપયોગ થયો છે અને નવા ફેઝમાં આવનાર હજુ વધુ કરોડો રૂપિયાની ગ્રાન્ટનો પણ દુરુપયોગ જ થશે એવું જણાય આવે છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ આવેલી રાજકોટ શિક્ષણ સમિતિની 18 જેટલી પસંદગીની શાળાઓને સ્કૂલ એન્ડ સ્ટુડન્ટસ ડેવલોપમેન્ટની લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. સ્કૂલ ઓફ એક્સલન્સની સ્કૂલ એન્ડ સ્ટુડન્ટસ ડેવલોપમેન્ટ માટે ફાળવાયેલી ગવર્મેન્ટ ગ્રાન્ટમાંથી જ નિયમ ન હોવા છતાં સરકારી શાળાના આચાર્ય-શિક્ષકોને ગણવેશ આપવાના નામે રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ લાખો રૂપિયાની હેરફેર કરી પોતાના ખિસ્સાં ભરી લીધાનું ચર્ચાઈ રહ્યું છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓમાં આચાર્યો-શિક્ષકોને ગણવેશ આપવાનો કોઈ નિયમ નથી તેમ છતાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે ખુદને અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાને લાભ ખટાવવા માટે ચાલાકીપૂર્વક 18 જેટલી સ્કૂલ ઓફ એક્સલન્સના 310 જેટલા આચાર્યો – શિક્ષકોને 5500 રૂપિયાના બે જોડી ગણવેશ આપવાનો ઠરાવ પસાર કરી દીધો હતો અને આ ગણવેશ ફરજીયાત મવડીમાં આવેલી દિનેશ સદાદિયાની આર્યા એન્ટરપ્રાઈઝમાંથી જ ખરીદવો એવી સૂચના આપેલી હતી. 5500 રૂપિયાના બે જોડી ગણવેશની અસલી કિંમત 600 રૂપિયા જેટલી જ હતી. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ સ્કૂલ ઓફ એક્સલન્સના 310 આચાર્યો – શિક્ષકોને આશરે 19 લાખના હલકી ગુણવત્તાવાળા ગણવેશ ધાબડી દીધા હતા, હકીકતમાં 5500 રૂ.ના ગણવેશની અસલી કિંમત 600 રૂ. જેટલી જ હોય ગણવેશ 6 મહિનામાં ગાભા જેવા બની જતા આચાર્યો-શિક્ષકો ગણવેશ પહેરી રહ્યા નથી.
સ્કૂલ ઑફ ઍક્સેલન્સની ગ્રાન્ટમાંથી નાણાં ચાંઉ કરી જનાર પંડિત, પરમાર અને સદાદિયા ફરી નવા કૌભાંડ આચરવા તૈયાર
- Advertisement -
આજથી દસ મહિના અગાઉ કેન્દ્ર સરકારે રાજકોટ શિક્ષણ સમિતિને આપેલી સ્કૂલ ઓફ એક્સલન્સની લાખો રૂપિયાની ગ્રાન્ટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમારે સરકારી શાળાઓના આચાર્ય-શિક્ષકના 5500 રૂપિયાના બે જોડી ગણવેશ પાછળ ખર્ચી નાંખી હતી. સ્કૂલ ઓફ એક્સલન્સના લાખો રૂપિયાનો પગાર લેતા સરકારી આચાર્ય-શિક્ષક માટે નિયમ ન હોવા છતાં પંડિત-પરમારે સદાદિયાની આર્યા એન્ટરપ્રાઈઝમાંથી કલ્પના ન આવે એવા ભાવે ગણવેશની ખરીદી કરાવી હતી. હકિકતમાં જે ગ્રાન્ટ વિદ્યાર્થીઓ અને શાળાના વિકાસ પાછળ ખર્ચ કરવાની હતી તે ગ્રાન્ટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા આચાર્ય-શિક્ષકના ગણવેશ પાછળ ખર્ચ કરવાનું એકમાત્ર કારણ શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા સાથે મળી આર્થિક કૌભાંડ આચરવાનું જ જણાય આવે છે. હવે આ કૌભાંડ એટલે પણ ઉઘાડું પડી ગયું છે કારણ કે, આજથી દસેક મહિના અગાઉ આર્યા એન્ટરપ્રાઈઝમાંથી કોઈ જ ટેન્ડર વિના લાખો રૂપિયાના જે ગણવેશની ખરીદી કરવામાં આવી હતી તે ગણવેશ સાવ ગાભા જેવા બની ગયા છે. આચાર્ય-શિક્ષક ગણવેશ પહેરી રહ્યા નથી. રાજકોટ શિક્ષણ સમિતિમાં થયેલા ગણવેશ કૌભાંડ મામલે ઉહાપોહ મચી ગયા બાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, શિક્ષણ સમિતિ ખાતે પ્રદર્શન-દેખાવ પણ કરવામાં આવ્યા હતા. રાજકોટ શિક્ષણ સમિતિના ગણવેશ કૌભાંડ વિવિધ મીડિયામાં ચમક્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ અંગે તપાસ પણ સોંપાઈ હતી પરંતુ ટોપથી લઈ બોટમ સુધી બધે જ ભાજપ સરકારની પહેરેદારી હોય આ મામલે ભીનું સંકેલું લેવાયું હતી. આ વિશે થયેલી આરટીઆઈની વિગત પણ શાસનાધિકારી કિરીટ પરમાર કે ચેરમેન અતુલ પંડિત આપી શક્યા નહતા. હવે જ્યારે ગણવેશ કૌભાંડ બાદ ફરી એકવખત કેન્દ્ર સરકાર દ્વારા સ્કૂલ એન્ડ સ્ટુડન્ટસ ડેવલોપમેન્ટ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવનાર છે ત્યારે શિક્ષણ સમિતિ દ્વારા ભૂતકાળમાં થયેલા ગણવેશ કૌભાંડ જેવા કૌભાંડ ભવિષ્યમાં ન બને તેમજ સ્કૂલ એન્ડ સ્ટુડન્ટસ ડેવલોપમેન્ટના ભાગની ગ્રાન્ટ પંડિત, પરમાર, સદાદિયા જેવા ન ઓળવી જાય તે માટે કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ કોઈ અસરકારક સિસ્ટમ બનાવવાની જરૂર છે.
ભરોસાની ભાજપ સરકારની શિક્ષણ સમિતિ રામભરોસે: પંડિત-પરમારે શિક્ષણ સમિતિમાં આવવાનું બંધ કરી દીધું!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આર્થિક-વહીવટી કૌભાંડો આચનારા ચેરમેન અતુલ પંડિત થોડા સમય પહેલા વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા. વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ ચેરમેન અતુલ પંડિત શિક્ષણ સમિતિએ આવવાનું ટાળી રહ્યા છે. છેલ્લાં છએક દિવસથી ચેરમેન અતુલ પંડિત શિક્ષણ સમિતિએ આવી રહ્યા નથી એ જ રીતે શાસનાધિકારી કિરીટ પરમાર પણ છેલ્લાં એકાદ અઠવાડિયાથી લઈ દિવાળી સુધીની રજા પર ઉતરી ગયા છે. શિક્ષણ સમિતિની શાળાઓની સમસ્યા દૂર કરવાને બદલે, વિવિધ આક્ષેપો અંગે ખુલાસો આપવાને બદલે તેમજ આરટીઆઈની માહિતી દેવાને બદલે ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે શિક્ષણ સમિતિએ જ આવવાનું બંધ કરી દેતા ભરોસાની ભાજપ સરકારની શિક્ષણ સમિતિ રામ ભરોસે ચાલી રહ્યાનું ચર્ચાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક મહિનાઓથી ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી શિક્ષણ સમિતિના સભ્યો, કેળવણી નિરીક્ષક, આચાર્યો, વાલીઓની એકપણ રજૂઆત ધ્યાને લઈ રહ્યા નથી અને પોતાની જ મનમાની ચલાવી કરી રહ્યા છે જેના પરિણામે રાજકોટ શિક્ષણ સમિતિ સહિત કોર્પોરેશન અને ભાજપની આબરુનું ધોવાણ થઈ રહ્યું છે.
આખરે ગણવેશકાંડમાં ભયંકર કૌભાંડ અને મોટી ગરબડ થઈ હોવાની કેમ સાબિત થયું?
શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટસિંહ પરમારે સ્કૂલ ઓફ એક્સલન્સના એક આચાર્ય – શિક્ષક દીઠ બે જોડી ગણવેશ માટે 5500 રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. આ 5000 રૂપિયાના બે જોડી ગણવેશ તદ્દન હલકી ગુણવત્તાવાળા હોય તેની અસલી બજાર કિંમત 600 રૂપિયા જેટલી જ હતી. જો 600 રૂપિયાની કાપડની કિંમતમાં 1000-1200 રૂપિયાનો સિલાઈ ખર્ચ ઉમેરીએ તો પણ બે જોડી ગણવેશની કિંમત કુલ મળી 2 હજાર રૂપિયા પણ ન થાય. મફતલાલ અને રેમન્ડ કંપનીના બે જોડી ગણવેશ પણ 2 હજાર રૂપિયામાં તૈયાર થઈ જાય ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી દ્વારા બે જોડી ગણવેશ માટે 5500 રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવવાની અને માત્ર શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાની આર્યા એન્ટરપ્રાઈઝમાંથી જ ગણવેશ લેવાની સૂચના બાદ આખું કૌભાંડ પકડાઈ ગયું હતું. હવે આ ચોપડે મોંઘા અને હકીકતે સોંઘા ગણવેશ માત્ર છ મહિનામાં ગાભા જેવા બની જતા ગણવેશકાંડમાં ભયંકર ગોટાળા, ગોલમાલ અને ગરબડ હોવાનું સાબિત થઈ રહ્યું છે.
શાસ્ત્રી મેદાનમાં PM મોદી નીતિમત્તાની અને પ્રમાણિકતાની વાતો કરશે જ્યારે ત્યાંથી એક કિલોમીટર દૂર કોર્પોરેશનની શિક્ષણ સમિતિ ભ્રષ્ટાચારમાં ખદબદી રહી હશે