વરસાદના વિધ્ન વચ્ચે પણ ગુજરાત જ નહીં પરંતુ
દેશ વિદેશમાંથી 52 હજારથી વધુ લોકો ઉમટ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટના આજી જી.આઇ.ડી.સી.માં આવેલ NSIC ગ્રાઉન્ડ ખાતે તારીખ 25 થી 28 સપ્ટેમ્બર સુધી મશીન ટુલ્સ મેન્યુફેક્ચરીંગ એસોસિએશન રાજકોટ તેમજ કે.એન્ડ.ડી ગ્રૂપ અમદાવાદ દ્વારા ભવ્ય 9માં રાજકોટ મશીન ટુલ્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને ઉદ્યોગકારો દ્વારા બહોળો પ્રતિસાદ અપાયો હતો. ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાંથી આ પ્રદર્શનને નિહાળવા પ2 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. વરસાદના વિધ્ન વચ્ચે પણ આ આયોજનને ઉદ્યોગકારોએ એકી અવાજે બિરદાવી સુંદર આયોજન બદલ મશીન ટુલ્સ મેન્યુફેક્ચરીંગ એસોસિએશન રાજકોટ તેમજ કે.એન્ડ.ડી ગ્રૂપને અભિનંદન પાઠવ્યા હતા.
તારીખ 25 થી 28 સપ્ટેમ્બર સુધી ચાલેલા આ એક્ઝિબીશન સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો હતો. ફકત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ મશીન ટુલ્સની નોંધ લેવાઇ હતી. 4 દિવસ દરમિયાન 350 પ્રદર્શનકર્તાઓ દ્વારા પોતાની પ્રોડક્ટસનું નિર્દેશન કરાયું હતું. વધુમાં આ ટુલ્સ શોમાં 500 કરોડથી વધુનો બિઝનેસ થયો હતો. નોંધનીય વાત એ છે કે, છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદને કારણે મુલાકાતીઓ તેમજ પ્રદર્શનકર્તાઓને મુશ્કેલી ન પડે તે માટે ચાલવાની જગ્યામાં થોડું પાણી નીકળતા આયોજકો દ્વારા તાત્કાલીક રાજકોટ અને અમદાવાદથી યુધ્ધના ધોરણે 2500થી વધુ લાકડાની પાટ મંગાવી તમામ ડોમમાં પાથરી દેવામાં આવી હતી. આ સાથે મશીન ટુલ્સ શોમાં જર્મન સેન્ટ્રલી એ.સી.ડોમ હોવાથી સ્ટોલ ધારકોની મશીનરીને કોઇપણ જાતનું નુકશાન થયું ન હતું. મશીન ટુલ્સ શોની મુલાકાત રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારોએ લીધી હતી. તેઓએ આ સુંદર આયોજન બદલ આયોજકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
આ તબક્કે બે વર્ષ બાદ આગામી 2026માં ફરી 10મો રાજકોટ મશીન ટુલ્સ શો યોજાશે. જે માટે અત્યારથી જ 3500 વધુ સ્કવેર મીટરનું બુકીંગ થઇ ચુક્યું છે. જે બાબત જ દર્શાવે છે કે, ઉદ્યોગકારોને મહતમ બિઝનેસ આ ટુલ્સ શોથી મળી રહ્યો છે. અંતમાં આયોજકો દ્વારા તમામ સ્ટોલ ધારકો તેમજ મુલાકાતીઓનો સહકાર આપવા બદલ આભાર માનવમાં આવ્યો હતો.