94 વર્ષની વયના વી. એન. રાવલ અને હિરાભાઇ માણેકનું કર્યું સન્માન
રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મળેલી સામાન્ય સભામાં પૂર્વપ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 94 વર્ષની જૈફ વયના વી. એન. રાવલ તથા હિરાભાઇ માણેક જેવા પાયાના પથ્થર સમાન રાહબરોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સામાન્ય સભા અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કારોબારી બેઠક રાજકોટ ખાતે મળી હતી. આ બેઠકમાં જિલ્લા અને તાલુકાના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા સંગઠનોએ પોતાને પડી રહેલી તકલીફોની આપ-લે કરી અને સમાધાન માટે ચર્ચા વિચારણા કરી જરૂરી નિર્ણય લીધા હતા.
- Advertisement -
આ પ્રસંગે 1945થી અત્યાર સુધીના તમામ માજી પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે 50 વર્ષ જુની ટ્રાન્સપોર્ટ પેઢીઓ, સંગઠનને મજબૂત કરવા માટે સભ્યોએ દાખવેલી ઇમાનદારી, મહેનતને એક વિશેષ સન્માનથી બિરદાવવામાં આવી હતી. 94 વયના વી. એન. રાવલે 40 વર્ષ સંસ્થાની સેવામાં અર્પણ કર્યા તેની સુખદ પળોને વાગોળી હતી. હિરાભાઇ માણેકે પણ પોતાના કાર્યકાળ અને સંસ્થાની કાર્યપદ્ધતિથી યુવા પેઢીને પ્રોત્સાહિત કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ-ગુજરાત રાજ્યના પૂર્વમંત્રી વાસણ આહિર અને કાર્યકારી પ્રમુખ મુકેશ દવે, પ્રભાત આહિર, માવજી ડોડિયા, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, દશરથસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.