ઇટાલીમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. પૂરને પગલે અનેક શહેરો પાણીમાં ડૂબી ગયા છે, રસ્તાઓ પર પાણી વહેતા થયા છે અને ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતા તબાહી થઈ છે. ત્યારે ઇટાલીમાં ભારે વરસાદે સર્જેલા વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે.
ઇટાલીના સેન્ટ્રલ એમિલિયા-રોમાગ્નામાં ભારે વરસાદને કારણે ભારે પૂર આવતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ઓછામાં ઓછા 2,500 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. મેયર મેટિયો લેપોરે સોમવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. રવિવારે એમિલિયા-રોમાગ્ના ક્ષેત્રની રાજધાની અને સૌથી મોટા શહેર બોલોગ્ના નજીકના એક નાનકડા શહેરમાં પૂરથી કાર વહી જતાં એક 20 વર્ષીય વ્યક્તિ જે તેના ભાઈ સાથે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો તેનું મૃત્યુ થયું હતું.
- Advertisement -
શનિવારે મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ પર પૂર આવી ગયું હતું, જેના કારણે વાહનો વહી ગયા હતા અને એમિલિયા-રોમાગ્નામાં ભૂસ્ખલન થયું હતું. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, સોમવાર બપોર સુધી લગભગ 472 ફાયર ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં 890 બચાવ કામગીરી હાથ ધરી હતી. બોલોગ્ના રહેવાસીઓને રવિવારથી તમામ બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.
અચાનક આવેલા પૂરના કારણે મોટાપાયે પાવર કટ પણ થયો છે, જેના લીધે રવિવારથી લગભગ 12,000 ઘરો વીજળી વગરના છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા સોમવાર સુધી લગભગ 3,500 ઘરો વીજ વિહોણા રહેવાની ધારણા છે. અધિકારીઓએ લોકોને બહાર ન જવાની કે તેમની કારનો ઉપયોગ ન કરવા અને ઈમારતોના ઉપરના માળે રહેવાની સલાહ આપી છે. ભારે વરસાદ અને વાવાઝોડાએ ઉત્તરથી દક્ષિણ સુધી સમગ્ર દેશને અસર કરી છે.
માત્ર થોડા કલાકોમાં કુલ 175 મીમી (6.9 ઇંચ) વરસાદ પડ્યો, જેના કારણે 13 નગરપાલિકાઓ ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ. અસરગ્રસ્ત શહેરોમાં રેવેના, મોડેના અને રેજિયો એમિલિયાનો સમાવેશ થાય છે. સાવચેતીના પગલા તરીકે એમિલિયા-રોમાગ્નામાં શનિવાર અને રવિવારની વચ્ચે લગભગ 3,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. બોલોગ્નામાં 2100 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, અને 1000 લોકોને રેજિયો એમિલિયા નજીક કેડેલબોસ્કોમાં તેમના ઘરો છોડવાની ફરજ પડી હતી.